ગુવાહાટી ટેસ્ટ હાર્યા તો ગંભીરની કોચ તરીકે હકાલપટ્ટી ? બાસિત અલીનો દાવો
ગુવાહાટીમાં રમાઈ રહેલી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી અને નિર્ણાયક ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં મુકાયેલી જણાય છે. મહેમાન ટીમે પ્રથમ દાવમાં 489 રનનો પહાડ જેવો સ્કોર ખડકી દીધો છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર બાસિત અલીએ એક મોટો દાવો કર્યો છે મીડીયા સાથેની ખાસ વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, જો ભારત આ ટેસ્ટ મેચ હારી જશે તો ગૌતમ ગંભીર માટે રેડ-બોલ ફોર્મેટ (ટેસ્ટ ક્રિકેટ) ના મુખ્ય કોચ તરીકે ચાલુ રહેવું મુશ્કેલ બનશે.
બાસિત અલીએ સીધા શબ્દોમાં ગૌતમ ગંભીરના ભવિષ્ય અંગે આગાહી કરી છે. તેમણે કહ્યું કે જો ગૌતમ ગંભીરના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા આ બીજી ટેસ્ટ મેચ જીતવામાં નિષ્ફળ જશે, તો તેઓ હવે ટેસ્ટ ક્રિકેટના કોચ તરીકે નહીં રહે ક્રિકેટ વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચાઓનો હવાલો આપતા તેમણે ઉમેર્યું કે વર્તમાન પ્રદર્શન અને રણનીતિને જોતા ગંભીર પર દબાણ ખૂબ વધી ગયું છે અને ગુવાહાટીનું પરિણામ તેમનું ભાવિ નક્કી કરશે.
ભારતીય પિચોની બદલાતી પ્રકૃતિ પર બાસિત અલીએ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે યાદ અપાવ્યું કે ભારત અગાઉ પણ સ્પિન ટ્રેક બનાવીને ન્યુઝીલેન્ડ સામે 3 ટેસ્ટ હારી ચૂક્યું છે. તેમણે કહ્યુ પહેલા ભારતમાં એવી પિચો બનતી હતી જ્યાં બોલ ચોથા કે પાંચમા દિવસે તૂટતો હતો, પરંતુ હવે મેચના પહેલા કલાકથી જ પિચ તૂટવા લાગે છે, જે યોગ્ય નથી બાસિત અલીના મતે, આવી પિચો તૈયાર કરવી એ દર્શાવે છે કે ગંભીર World Test Championship (WTC) ની ફાઈનલ રમવા માટે ઉતાવળા થયા છે. આવી પિચો પર ટોસ જીતવો નિર્ણાયક બની જાય છે અને ચોથી ઇનિંગમાં બેટિંગ કરવી લગભગ અશક્ય હોય છે.