IPLની આગામી સિઝનમાં ચાર ટીમના કેપ્ટન બદલાશે?
હાર્દિક પંડ્યા, કે.એલ.રાહુલ, રિષભ પંતમાં ફેરબદલીની સંભાવના
આઈપીએલ 2024 માં મુંબઈ અને ગુજરાત જેવી ટીમોના નબળા પ્રદર્શને તમામને ચૌકાવ્યા હતા. હવે અહેવાલો છે કે આવનારી સિઝનમાં ટીમોના કેપ્ટનમાં મોટા ફેરફાર થઈ શકે છે. આઇપીએલ 2025 માટે આ વર્ષે મેગા-ઓક્શન થવા જઈ રહ્યું છે. તે પહેલા બીસીસીઆઈએ ખેલાડીઓને રિટેન્શનને લઈને નિયમો જારી કરશે. બોર્ડે તમામ 10 ફ્રેન્ચાઈઝી સાથે વાત કરી છે, પરંતુ હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ વખતે મેગા ઓક્શનના કારણે ઘણા મોટા ફેરફારો જોવા મળશે. ગયા વર્ષે મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માના સ્થાને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો હતો. ટીમનું પ્રદર્શન ખરાબ હતું અને તે 10મા સ્થાને રહી હતી. આમ છતાં એવું લાગતું હતું કે ફ્રેન્ચાઇઝી હાર્દિક પર વિશ્વાસ કરવાનું ચાલુ રાખશે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં બધું બદલાઈ ગયું છે.
સૂર્યકુમાર યાદવ ટી20માં ભારતનો કેપ્ટન બન્યો છે. આ સ્થિતિમાં તેનો દાવો પણ મજબૂત બનશે. હવે જોવાનું એ રહે છે કે આ વખતે ફ્રેન્ચાઈઝી કોને ટીમમાંથી હટાવે છે. જો હાર્દિકને કેપ્ટન તરીકે રાખવામાં આવે તો રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને જસપ્રિત બુમરાહમાંથી કોઈ એકને હટાવવો પડી શકે છે. જો હાર્દિકનું પત્તું કપાય તો સૂર્યકુમાર મુંબઈનો કેપ્ટન બની શકે છે.
દિલ્હી કેપિટલ્સની જેમ લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ પણ કેપ્ટન બદલવા પર વિચાર કરી રહી છે. લખનઉના કેપ્ટન કેએલ રાહુલ ટીમ છોડી શકે છે. તે કોઈ અન્ય ટીમમાં જોડાઈ શકે છે. ફ્રેન્ચાઇઝી અને રાહુલ વચ્ચેનો સંબંધ હવે પહેલા જેવો રહ્યો નથી. ગઈ સિઝનમાં મેદાનમાં જ ટીમના માલિક સંજીવ ગોએન્કા અને રાહુલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. તેનો વીડિયો વાયરલ થયો હતો. લખનૌની નજર રોહિત શર્મા પર છે. જો મુંબઈની ટીમ રાહુલને રિટેન નહીં કરે તો લખનૌ રોહિતને ખરીદવા માટે મોટી રકમ ખર્ચી શકે છે.
અહેવાલો અનુસાર, દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઇઝી રિષભ પંતથી ખુશ નથી. ટીમ પંતને રિટેન કરવા કે નહીં તેના પર વિચાર કરી રહી છે. જો કે પંતને ટીમ ડાયરેક્ટર સૌરવ ગાંગુલીનો સપોર્ટ મળ્યો છે. તે પંતને કેપ્ટન તરીકે રાખવાનું સમર્થન કરી રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે દિલ્હીની ટીમ પંતને કેપ્ટન તરીકે રાખે છે કે પછી તેને પડતો મૂકે છે. લખનૌની જેમ દિલ્હીની ફ્રેન્ચાઈઝી પણ રોહિત શર્માને ખૂબ પસંદ કરે છે. હવે જોવાનું એ રહે છે કે હિટમેન દિલ્હી માટે રમી શકશે કે નહીં.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આ વખતે નવા કેપ્ટન સાથે પ્રવેશ કરી શકે છે. ફાફ ડુપ્લેસીસની કેપ્ટનશીપમાં પણ ટીમ ટ્રોફી જીતી શકી નથી. ફ્રેન્ચાઈઝી ભારતીય કેપ્ટનની પાછળ જઈ શકે છે. આવી સ્થિતિમાં કેએલ રાહુલ ટીમ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. તે કર્ણાટકનો રહેવાસી પણ છે અને અગાઉ આરસીબી તરફથી રમી ચૂક્યો છે. વિરાટ કોહલી સાથે પણ તેના સારા સંબંધો છે.
અહેવાલો અનુસાર, ચેન્નાઈ સુપર કિંગ્સ ફ્રેન્ચાઈઝી ઘણા સમયથી રિષભ પંતને પસંદ કરી રહી છે. તે ટીમના રડાર પર છે. જો મહેન્દ્ર સિંહ ધોની આગામી સિઝનમાં નહીં રમવાનો નિર્ણય કરશે તો ટીમ રિષભ પંતને સામેલ કરવા પર વિચાર કરશે. ફ્રેન્ચાઇઝીની નજર હંમેશા દેશના ટોચના વિકેટકીપર પર રહી છે.