વિરાટ કોહલીનો યુ ટર્ન, વિજય હજારે ટ્રોફી રમશે
સાઉથ આફ્રિકા સામે રાંચીમાં રમાયેલી પહેલી વનડેમાં શાનદાર સદી ફટકારનાર વિરાટ કોહલી વિશે એક મોટો અપડેટ સામે આવ્યો છે. પહેલા એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે, કોહલી આગામી ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ વિજય હજારે ટ્રોફીમાં નહીં રમે, પરંતુ હવે આ વાત પર મહોર લાગી ગઈ છે કે, સ્ટાર ખેલાડી આ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે. નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા એવા સમાચાર આવ્યા હતા કે, BCCIએ તમામ સિનિયર ખેલાડીઓને ડોમેસ્ટિક ક્રિકેટ રમવાનું કહ્યું છે અને બોર્ડ આ અંગે ઘણું કડક પણ છે.
ક્રિકબઝના રિપોર્ટ અનુસાર, ડીડીસીએના અધ્યક્ષ રોહન જેટલીએ મંગળવારે આ વાત પર મહોર મારતા કહ્યું કે, વિરાટ કોહલીએ ક્ધફર્મ કર્યું છે કે તેઓ વિજય હજારે ટ્રોફીમાં ઉપલબ્ધ રહેશે. વિરાટ કોહલીએ અચાનક હા ભરી છે, જેનાથી ફેન્સ પણ આશ્ચર્યચકિત છે. આ પાછળનું મોટું કારણ એ છે કે, સાઉથ આફ્રિકા સામેની રાંચી વનડેમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ લેતા તેમણે પોતે કહ્યું હતું કે, હું ક્યારેય વધારે તૈયારીનો સમર્થક રહ્યો નથી. મારી બધી ક્રિકેટ માનસિક રહી છે. જ્યાં સુધી મને લાગે છે કે, હું માનસિક રીતે રમી શકું છું, હું મારા જીવનના દરેક દિવસે શારીરિક રીતે સખત મહેનત કરું છું. હવે તેને ક્રિકેટ સાથે કોઈ લેવાદેવા નથી. આ મારી જીવવાની રીત છે.