ઇંગ્લેન્ડમાં વૈભવ સૂર્યવંશીનો તરખાટ, 34 બોલમાં 45 રન
ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમના 14 વર્ષીય યુવા સેન્સેશન વૈભવ સૂર્યવંશીનું બેટ ઇંગ્લેન્ડની ધરતી પર ફરી એકવાર ગર્જ્યું છે. ઇંગ્લેન્ડની અંડર-19 ટીમ સામે ચાલી રહેલી બીજી વનડે મેચમાં વૈભવે માત્ર 34 બોલમાં 45 રનની તોફાની ઇનિંગ રમીને બધાનું દિલ જીતી લીધું છે. આ પ્રદર્શન સાથે તેણે ઇંગ્લેન્ડના બોલરોને તેમના જ ઘરમાં બેકફૂટ પર ધકેલી દીધા છે. આ મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમ જ્યારે પ્રથમ બેટિંગ કરવા ઉતરી ત્યારે કેપ્ટન આયુષ મ્હાત્રે ખાતું ખોલ્યા વિના પહેલા જ બોલ પર આઉટ થઈ જતા ટીમને શરૂૂઆતી ઝટકો લાગ્યો હતો.
જોકે, બીજા છેડે બેટિંગ કરવા આવેલા વૈભવ સૂર્યવંશીએ સ્થિતિને સંભાળી લીધી હતી. તેણે પોતાની 45 રનની ઇનિંગમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકારીને દબાણ હળવું કર્યું. જોકે, દુર્ભાગ્યે તે છેલ્લી મેચની જેમ આ મેચમાં પણ અડધી સદી ફટકારવામાં ચૂકી ગયો હતો. વૈભવ સૂર્યવંશી 45 રન બનાવીને આઉટ થયા બાદ, વિહાન મલ્હોત્રા અને મૌલ્યરાજ સિંહ છાબડાએ ભારતીય ઇનિંગની કમાન સંભાળી છે. આ ઓડીઆઇ મેચમાં 20 ઓવરના અંતે, ભારતનો સ્કોર 2 વિકેટ ગુમાવીને 116 રન થઈ ગયો છે. વિહાન 49 બોલમાં 39 રન અને છાબડા 39 બોલમાં 21 રન બનાવીને ક્રિઝ પર અડીખમ રહ્યા છે.