વૈભવ સૂર્યવંશીની આક્રમક બેટિંગ, ટીમ ઇન્ડિયાની ઇંગ્લેન્ડ સામે 6 વિકેટે જીત
ભારત અને ઇંગ્લેન્ડની અંડર-19 ટીમો વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની ODI શ્રેણીની પહેલી મેચમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા યજમાન ઇંગ્લેન્ડને 6 વિકેટે હરાવીને શ્રેણીમાં 1-0 ની લીડ મેળવી લીધી છે. ભારતીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશીની તોફાની બેટિંગ આ જીતનું મુખ્ય આકર્ષણ રહી, તેણે ટીમને ઝડપી વિજય અપાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો.
ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ આ નિર્ણય તેમના માટે ભારે પડ્યો. ઇંગ્લેન્ડની અંડર-19 ટીમ નિર્ધારિત ઓવરો પહેલા જ માત્ર 174 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. જોકે, ઇંગ્લેન્ડની શરૂૂઆત સારી હતી અને એક તબક્કે તેમણે 1 વિકેટ ગુમાવીને 76 રન બનાવી લીધા હતા. પરંતુ, ત્યારબાદ નિયમિત અંતરે વિકેટો પડવા માંડી, જેના કારણે તેઓ મોટો સ્કોર બનાવી શક્યા નહીં. આ ઇનિંગમાં, દિગ્ગજ ક્રિકેટર એન્ડ્રુ ફ્લિન્ટોફના પુત્ર રોકી ફ્લિન્ટોફે દબાણ હેઠળ 56 રનની શાનદાર અડધી સદી ફટકારી હતી.
175 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાને વૈભવ સૂર્યવંશી અને કેપ્ટન આયુષ મ્હાત્રેએ આક્રમક શરૂૂઆત અપાવી. આ બંનેએ મળીને માત્ર 7 ઓવરમાં 70 રન જોડી દીધા. વૈભવ સૂર્યવંશીએ તોફાની અંદાજમાં માત્ર 19 બોલમાં 48 રન ફટકારી દીધા, જેમાં 3 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થાય છે. તેનો સ્ટ્રાઇક રેટ 252 નો હતો, જે તેની આક્રમકતા દર્શાવે છે.
વચ્ચેના ગાળામાં ભારતીય ટીમે માત્ર 28 રનની અંદર 3 મહત્વની વિકેટો ગુમાવી દીધી, જેના કારણે ઇંગ્લેન્ડને મેચમાં વાપસીની આશા જાગી હતી. ભારતીય ટીમની ચોથી વિકેટ 124 રનના સ્કોર પર પડી. જોકે, ત્યારબાદ વિકેટકીપર બેટ્સમેન અભિજ્ઞાન કુંડુ અને રાહુલ કુમારે બાજી સંભાળી લીધી. રાહુલે એક છેડેથી સાવચેતીપૂર્વક 17 રન બનાવ્યા, જ્યારે બીજા છેડેથી અભિજ્ઞાને 45 રનની ઝડપી ઇનિંગ રમીને ભારતીય ટીમનો વિજય સુનિશ્ચિત કર્યો. ભારતે માત્ર 24 ઓવરમાં જ લક્ષ્ય હાંસલ કરીને પ્રભાવશાળી જીત નોંધાવી.