વૈભવ સૂર્યવંશીની ડેબ્યૂ મેચમાં જ ધમાકેદાર સદી, 42 બોલમાં 15 છગ્ગા, 11 ચોગ્ગા ફટકાર્યા
વૈભવ સૂર્યવંશીનું તોફાન અટકવાનું નામ નથી લઈ રહ્યું. IPLથી લઈને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ અને અંડર-19 સ્તર સુધી પોતાના બેટથી બોલરોને બરબાદ કરનાર 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ ટી-20 ડેબ્યૂમાં જ જોરદાર સદી ફટકારી હતી. એશિયા કપ રાઈઝિંગ સ્ટારની પહેલી મેચમાં યુએઇ સામે 32 બોલમાં ધમાકેદાર સદી ફટકારીને વૈભવે ઈતિહાસ રચ્યો હતો. કતારમાં 14 નવેમ્બરથી શરૂૂ થયેલી આ ટૂર્નામેન્ટની પહેલી જ મેચમાં વૈભવે માત્ર 42 બોલમાં 15 છગ્ગા અને 11 ચોગ્ગા ફટકારીને સૌથી મોટી ઈનિંગ રમી હતી.
આ મેચ વૈભવ માટે પણ ખાસ હતી કારણ કે તે ભારત માટે કોઈપણ સ્તરે પ્રથમ વખત ટી-20 મેચ રમી રહ્યો હતો. વૈભવે યાદગાર સદી ફટકારીને પોતાની ડેબ્યૂ મેચને ખાસ બનાવી. મેચના પહેલા જ બોલ પર ઞઅઊના ફિલ્ડરે એક સરળ કેચ છોડી દીધો હોવા છતાં વૈભવે કોઈ બોલરોને છોડ્યા નહીં. બીજા ઓવરના છેલ્લા બોલ અને ચોથા ઓવરના પહેલા બોલ વચ્ચેના પાંચ બોલમાં વૈભવે સતત પાંચ બાઉન્ડ્રી ફટકારી. આ યુવા બેટ્સમેને 6, 4, 6, 6, 4 રન ફટકારીને ટીમને તોફાની શરૂૂઆત અપાવી.
વૈભવે ટૂંક સમયમાં જ માત્ર 17 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને પછીના 15 બોલમાં બાકીના 50 રન ફટકારી દીધા. વૈભવે 10મી ઓવરના ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકારીને પોતાની બીજી ટી-20 સદી પૂરી કરી. આ પહેલા તેણે આઇપીએલમાં રાજસ્થાન રોયલ્સ માટે 34 બોલમાં સદી ફટકારી હતી. સદી ફટકારતા વૈભવે 10 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા.
વૈભવ ત્યાં જ અટક્યો નહીં, 11મી ઓવરમાં તેણે સતત ચાર છગ્ગા અને એક ચોગ્ગો ફટકાર્યો. ફક્ત 12 ઓવરમાં, વૈભવે 138 રન બનાવ્યા હતા અને એવું લાગતું હતું કે તે બેવડી સદી ફટકારી શકે છે, પરંતુ 13મી ઓવરમાં સિક્સર મારવાનો પ્રયાસ કરતી વખતે, તે બાઉન્ડ્રી પર કેચ આઉટ થયો. તેમ છતાં આ બેટ્સમેને ફક્ત 42 બોલમાં 144 રનની ધમાકેદાર ઈનિંગથી બધાનું મનોરંજન કર્યું. તેની ઈનિંગમાં, વૈભવે 15 છગ્ગા અને 11 ચોગ્ગા ફટકાર્યા, એટલે કે તેના 144 રનમાંથી 134 રન ફક્ત બાઉન્ડ્રીથી જ હતા. વૈભવનો સ્ટ્રાઈક રેટ 342.85 હતો.