IPLની આગામી સિઝનમાં ધોનીના રમવા અંગે અવઢવ
BCCIએ IPL 2025 માટે રીટેન્શન નિયમો જાહેર કર્યા છે. તમામ ટીમોએ 31 ઓક્ટોબર સુધીમાં રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી સબમિટ કરવાની રહેશે.બીસીસીઆઈની જાહેરાતનો એક ચોક્કસ ભાગ ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતો. બોર્ડે ફરી જૂનો નિયમ લાગુ કર્યો છે. આનો ફાયદો ચેન્નાઈની ટીમને મળી શકે છે.
નિયમો અનુસાર કોઈપણ ક્રિકેટર જે છેલ્લા પાંચ કેલેન્ડર વર્ષમાં ભારત તરફથી નથી રમ્યો તેને અનકેપ્ડ ગણવામાં આવશે. તે ખેલાડીની કિંમત ઘટશે અને ફ્રેન્ચાઇઝીના પૈસાની બચત થશે. આ નિયમ ભારત અને ચેન્નાઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને પણ લાગુ પડે છે. તેઓ 15 ઓગસ્ટ 2020ના નિવૃત્ત થયા હતા. તે પહેલા તેણે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ જુલાઈ 2019 માં રમી હતી.
આ નિયમનો ઉપયોગ કરીને ચેન્નાઈની ટીમ માત્ર 4 કરોડ રૂૂપિયામાં ધોનીને પોતાની ટીમમાં સામેલ કરી શકે છે. ધોની હવે વધુમાં વધુ એક સિઝન રમી શકે છે. આવી સ્થિતિમાં તે પોતે નથી ઈચ્છતો કે તેની ટીમ વધુ પૈસા ખર્ચે. આ નિયમ ફરીથી લાગુ થયા બાદ ચાહકોને આશા છે કે ધોની આવતા વર્ષે ફરી રમશે. જોકે ઈજઊંના ઈઊઘ કાશી વિશ્વનાથને પોતાનું નિવેદન આપીને બધાને ચોંકાવી દીધા હતા.
સીએસકેના સીઇઓએ એક મિડિયાને જણાવ્યું, અમે આ સ્તર પર નિશ્ચિત નથી. અમે તેનો ઉપયોગ એમએસ ધોની માટે પણ કરી શકતા નથી. આ અંગે ટિપ્પણી કરવી ખૂબ જ વહેલું છે કારણ કે અમે તેમની સાથે આ અંગે ચર્ચા કરી નથી. ધોની અમેરિકામાં હતો અને અમે હજુ સુધી તેની ચર્ચા કરી નથી. હવે હું આ અઠવાડિયે પ્રવાસ કરી રહ્યો છું, તેથી આગામી સપ્તાહમાં થોડી ચર્ચા થવાની સંભાવના છે, પછી થોડી સ્પષ્ટતા આવી શકે છે. અમે આશાવાદી છીએ કે તે રમશે પરંતુ આ એવો કોલ છે જે ધોની પોતે લેશે.