ટીમ ડેવિડનો 129 મીટર લાંબી સિક્સ ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હોબાર્ટમાં રમાયેલી ત્રીજી ટી20માં ભલે ટીમ ઇન્ડિયાએ જીત મેળવી હોય પરંતુ ટિમ ડેવિડે પોતાની હિટિંગથી લોકોનું દિલ જીતી લીધું. આ બેટ્સમેને 23 બોલમાં અડધી સદી ફટકારી હતી. ખાસ વાત એ છે કે, ટિમ ડેવિડે ઇન્ટરનેશનલ ક્રિકેટનો સૌથી લાંબો છગ્ગો ફટકાર્યો. ટિમ ડેવિડે આ છગ્ગો અક્ષર પટેલના બોલ પર ફટકાર્યો હતો.ટિમ ડેવિડે 110, 120 મીટર નહીં, પરંતુ 129 મીટર લાંબો છગ્ગો ફટકાર્યો, જે ઇન્ટરનેશનલ ક્રિકેટ ઇતિહાસનો સૌથી લાંબો છગ્ગો છે. મેલબોર્ન ટી20માં ઓસ્ટ્રેલિયન કેપ્ટન મિચેલ માર્શે 124 મીટરનો છગ્ગો ફટકાર્યો હતો. પરંતુ હવે ટિમ ડેવિડ તેની આગળ નીકળી ગયો છે.
ઓસ્ટ્રેલિયન ઇનિંગની 7મી ઓવરમાં ટિમ ડેવિડ સામે અક્ષર પટેલ આવ્યો હતો. અક્ષર પટેલે ટિમ ડેવિડને પુલ લેંથ બોલ ફેંક્યો. જેમાં ટિમ ડેવિડે બોલના માથા ઉપરથી જોરદાર છગ્ગો ફટકાર્યો. આ છગ્ગો એટલો લાંબો હતો કે, બોલ સીધો છત પર ગયો અને આ છગ્ગાનું અંતર 129 મીટર માપવામાં આવ્યું. જણાવી દઈએ કે, ટિમ ડેવિડે અક્ષર પટેલની ઓવરમાં બે છગ્ગા ફટકાર્યા હતા.
ટિમ ડેવિડે પછીની ઓવરમાં શિવમ દુબેની પણ ભારે ધોલાઈ કરી હતી. શિવમ દુબેની ઓવરમાં તેણે ત્રણ ચોગ્ગા ફટકાર્યા અને આ ખેલાડી માત્ર 23 બોલમાં અડધી સદી સુધી પહોંચી ગયો. ડેવિડે 38 બોલમાં 74 રન બનાવ્યા હતા.
ડેવિડે પોતાની ઇનિંગ દરમિયાન એક ખાસ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો. આ ખેલાડીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 100 છગ્ગા પૂરા કર્યા. તે સૌથી ઓછા 931 બોલમાં 100 છગ્ગા પૂરા કરનાર ઓસ્ટ્રેલિયન ખેલાડી બની ગયો. આખી દુનિયામાં તે એવિન લુઈસ પછી બીજા નંબરે છે, જેણે 789 બોલમાં 100 ટી20 છગ્ગા ફટકાર્યા હતા.