ચાર બોલમાં ત્રણ વિકેટ, મોહમ્મદ શમીએ રણજી ટ્રોફીમાં ધૂમ મચાવી
ઇજામાંથી સ્વસ્થ થયા બાદ ફોર્મ પરત મેળવવા સઘન પ્રયાસ
ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ઘણા સમયથી ભારતીય ટીમની બહાર છે. તે હાલમાં રણજી ટ્રોફીમાં બંગાળનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. રણજી ટ્રોફીના એલીટ ગ્રુપ ઈ મેચના પહેલા દિવસે બંગાળે ઉત્તરાખંડને 213 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું.
આ મેચમાં બંગાળ માટે મોહમ્મદ શમીએ 4 બોલમાં 3 વિકેટ લીધી હતી. મોહમ્મદ શમી આ ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયામાં વાપસી કરવા માગશે. બંગાળ અને ઉત્તરાખંડ વચ્ચેની આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાઈ રહી છે.
ઈજામાંથી સ્વસ્થ થયા પછી મોહમ્મદ શમી હાલમાં પોતાનું ફોર્મ પાછું મેળવવા માટે કામ કરી રહ્યો છે. 35 વર્ષના મોહમ્મદ શમીને મેચની પોતાની પહેલી 14 ઓવરમાં ખાસ સફળતા મળી ન હતી, પરંતુ ઉત્તરાખંડની ઈનિંગની છેલ્લી ઓવરમાં તેને રિવર્સ સ્વિંગ શોધી કાઢી અને તેનો ફાયદો ઉઠાવ્યો.
મોહમ્મદ શમીએ પહેલા જન્મેજય જોશીને બોલ્ડ કર્યો અને પછીના બોલ પર રાજકુમારને વિકેટકીપર દ્વારા કેચ કરાવ્યો. આ મેચમાં તેની પાસે હેટ્રિક લેવાની તક હતી, પરંતુ તે કરી શક્યો નહીં. તેને હેટ્રિકના બીજા બોલ પર દેવેન્દ્ર સિંહ બોરાને બોલ્ડ કર્યો. તેને 37 રન આપીને 3 વિકેટ લીધી. આ ઓવરમાં તેને 4 બોલમાં 3 વિકેટ લીધી.