આવતીકાલથી ગાબામાં ત્રીજી ટેસ્ટ મેચ, શર્મા સાથે જયસ્વાલ ઓપનિંગમાં આવશે?
રોહિત શર્માનો નંબર 6 પર બેટિંગ કરવાનો પ્રયોગ એડિલેડમાં ગુલાબી બોલ ટેસ્ટમાં નિષ્ફળ ગયો હતો. કારણ કે ન તો કેએલ રાહુલનું બેટ કામ કરી શક્યું કે ન તો રોહિત શર્માનું બેટ રન બનાવી શક્યું. ઑસ્ટ્રેલિયાએ એડિલેડ ટેસ્ટમાં 10 વિકેટે જીત મેળવી અને પાંચ મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી શ્રેણી 1-1થી બરાબર કરી. ત્રીજી ટેસ્ટ શનિવાર (14 ડિસેમ્બર)થી બ્રિસ્બેનના ગાબા ખાતે શરૂૂ થવા જઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાની ઓપનિંગ જોડીમાં ફેરફાર થઈ શકે છે. રોહિત શર્મા યશસ્વી જયસ્વાલ સાથે ઓપનિંગ કરે તેવી શક્યતા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આઉટ ઓફ ફોર્મ રોહિતે બ્રિસબેન ટેસ્ટ પહેલા નેટ્સમાં નવા બોલ સાથે વ્યાપક પ્રેક્ટિસ કરી છે. ભારતીય કેપ્ટને તમામ ઝડપી બોલર જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને આકાશ દીપનો નવા બોલથી સામનો કર્યો હતો. એડિલેડમાં રમાયેલી પિંક બોલ ટેસ્ટમાં રોહિત શર્મા ખરાબ રીતે ફ્લોપ થયો હતો. તે લાંબો સમય ક્રિઝ પર ઊભા રહેવામાં પણ સફળ રહ્યો ન હતો.
રોહિત સંપૂર્ણપણે આઉટ ઓફ ફોર્મ છે. તેની છેલ્લી 12 ટેસ્ટ ઇનિંગ્સમાં તે માત્ર બે વખત 20થી ઉપર ગયો છે અને માત્ર એક જ અડધી સદી ફટકારવામાં સફળ રહ્યો છે. તે 8 વખત સિંગલ ડિજિટમાં આઉટ થયો હતો. આવી સ્થિતિમાં, ચાહકો ગાબામાં યોજાનારી મેચમાં તેની પાસેથી મોટી ઇનિંગ્સ જોવાની આશા રાખશે અને ભારત આ મેચ જીતીને શ્રેણીમાં 2-1થી સરસાઈ મેળવશે.કેએલ રાહુલે વર્તમાન શ્રેણીની પ્રથમ બે ટેસ્ટ મેચોમાં ભારત માટે ઓપનિંગ કર્યું હતું, પરંતુ રોહિત યશસ્વી જયસ્વાલ સાથે ઓપનિંગ બેટ્સમેનના સ્થાને પરત ફર્યો હતો, રાહુલ શ્રેણીની બાકીની મેચો માટે મિડલ ઓર્ડરમાં પરત ફરી શકે છે. જો કે મેનેજમેન્ટ શું વિચારે છે તે જોવું રસપ્રદ રહેશે. જોવાનું એ રહે છે કે મેચ પહેલાની પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટન રોહિત શર્મા બેટિંગ ક્રમમાં ફેરફાર અંગે કંઈ કહે છે કે પછી તે ભારતની બેટિંગ વખતે જ ખબર પડશે.