કેરેબિયન પ્રીમિયર લીગમાં રનનો ઢગલો, એક મેચમાં 58 બાઉન્ડ્રી
લુઇસે 54 બોલમાં 7 ચોગ્ગા, 9 છગ્ગા સાથે સદી ફટકારી
કેરેબિયન પ્રીમિયર લીગમાં એકથી એક ચડીયાતી મેચો જોવા મળી રહી છે. ફાફ ડુ પ્લેસિસની ટીમ સેંટ લૂસિયા કિંગ્સે સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ પૈટ્રિયટ્સની વિરુદ્ધ 202 રન બનાવીને ધમાકેદાર જીત નોંધાવી છે. 24 રન પર 4 વિકેટ ગુમાવ્યા બાદ ટીમે એવી જીત નોંધાવી કે હાહાકાર મચાવી દીધો. આ મેચમાં કુલ 58 બાઉન્ડ્રી લાગી અને 403 રન બન્યા.
ફાફ ડુ પ્લેસિસની ટીમ સેન્ટ લૂસિયા કિંગ્સે કેરેબિયન પ્રીમિયર લીગ 2024ની ધમાકેદાર અંદાજમાં શરુઆત કરી. સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ પેટ્રિયટ્સે પહેલા બેટીંગ કરતા ઓપનર ઈવિન લુઈસની તોફાની સદીવાળી ઈનિંગ્સ અને કાઈલ માયર્સના 92 રનના કારણે 3 વિકેટ પર 201 રન બનાવ્યા હતા. લુઈસે 54 બોલ પર 7 ચોગ્ગા અને 9 છગ્ગા લગાવતા 100 રન બનાવ્યા, જ્યારે 62 બોલ પર 6 ચોગ્ગા અને 7 છગ્ગા લગાવીને કાઈલે 92 રન બનાવ્યા. 201 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી સેન્ટ લૂસિયા કિંગ્સની ટીમની શરુઆત સારી રહી નહીં. ફક્ત 24 રનના સ્કોર પર ટીમને ચાર ઝટકા લાગ્યા પણ તેમ છતાં ટીમે 17.2 ઓવરમાં 5 વિકેટથી જીત નોંધાવી.
ભાનુકા રાજપક્ષેએ 35 બોલ પર 6 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી નોટઆઉટ 68 રનની ઈનિંગ્સ રમી. ટીમ સેઈફર્ટે 27 બોલમાં 4 ચોગ્ગા અને 6 છગ્ગા લગાવીને 64 રન બનાવ્યા અને મેચ બદલી નાખી. કેરેબિયન પ્રીમિયર લીગની 5મી મેચમાં કુલ 403 રન બન્યા, પહેલા બેટીંગ કરતા સેન્ટ કિટ્સ એન્ડ નેવિસે પેટ્રિયટ્સ 201 રન બનાવ્યા હતા. ત્યાર બાદ સેન્ટ લૂસિયા કિંગ્સે 202 રન બનાવીને આ મેચ જીતી. મેચ દરમ્યાન કુલ 28 છગ્ગા લાગ્યા અને 30 ચોગ્ગા લાગ્યા હતા. આવી રીતે કુલ મળીને મેચ દરમ્યાન 58 બોલ પર બાઉન્ડ્રી ગઈ.