ટીમને જીતાડી જિંદગીની મેચ હાર્યો બોલર, અંતિમ ઓવરમાં જ પીચ પર ઢળી પડયો
ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં ક્રિકેટ મેદાન પર જીતની ખુશી અચાનક માતમમાં ફેરવાઈ ગઈ. બોલરે રોમાંચક છેલ્લી ઓવર નાખીને પોતાની ટીમને જીત અપાવી. પરંતુ ટીમ જીતની ખુશી સેલિબ્રેટ કરે તે પહેલા જ આ બોલર અચાનક મેદાન પર ઢળી પડ્યો અને તેનું મોત થઈ ગયું. આમ આ બોલર ટીમને જીતાડી પોતે જિદંગીની મેચ હારી ગયો. આ ઘટનાથી ક્રિકેટ જોવા આવેલા લોકની સાથે-સાથે સ્થાનિક લોકો પણ સ્તબ્ધ રહી ગયા છે.
આ ઘટના મુરાદાબાદના બિલારી બ્લોકની છે. અહીં સુગર મિલ ગ્રાઉન્ડમાં યુપી વેટરન્સ ક્રિકેટ ઍસોસિએશન દ્વારા ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારે અહીં મુરાદાબાદ અને સંભલની ટીમો વચ્ચે મેચ ચાલી રહી હતી. મુરાદાબાદની ટીમે પહેલા બેટિંગ કરી. ત્યારબાદ સંભલની ટીમ ટાર્ગેટનો પીછો કરવા માટે મેદાનમાં ઉતરી હતી. તેમને છેલ્લી ઓવરમાં 14 રનની જરૂૂર હતી.
ત્યારબાદ ડાબોડી બોલર અહમર ખાન મુરાદાબાદ માટે અંતિમ ઓવર નાંખવા આવ્યો. તેણે ઘાતક બોલિંગથી પોતાની ટીમને 11 રનથી જીત અપાવી. જોકે, અંતિમ બોલ ફેંકતાની સાથે જ તેની તબિયત લથડી ગઈ. તે અચાનક મેદાન પર ઢળી પડ્યો. તેના સાથી ખેલાડીઓએ તેને સંભાળ્યો. મેદાન પર કેટલાક ડોક્ટરો પણ હાજર હતા. તેમણે અહમરનેર સીપીઆર આપવાનો પ્રયાસ કર્યો. તે થોડીવાર માટે હલન-ચલન કરતો રહ્યો, પરંતુ પછી શાંત થઈ ગયો. અહમર ખાન સ્થાનિક મુરાદાબાદ ટીમનો એક અનુભવી બોલર હતો. તે ઘણા વર્ષોથી વેટરન્સ ક્રિકેટમાં એક્ટિવ હતો. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તે એક ફાર્માસ્યુટિકલ કંપનીમાં એમઆર હતો.