વિદેશી ખેલાડીઓ રમવા પરત ન આવે તો કામચલાઉ નવા ખેલાડી લઈ શકાશે
IPLની બાકીની મેચો માટે BCCIએ નિયમમાં ફેરફાર કર્યો
શનિવાર, 17મી મેના દિવસથી ફરી શરૂૂ થનારી આઇપીએલ-2025 માટે બીસીસીઆઇ (BCCI)એ એક મોટા નિયમમાં ફેરફાર કર્યો છે જે મુજબ ટેમ્પરરી રિપ્લેસમેન્ટ રુલ હેઠળ ફ્રેન્ચાઇઝીઓ પોતાના જે વિદેશી ખેલાડીઓ બાકીની સીઝનમાં રમવા ભારત પાછા ન આવવાના હોય તેમના સ્થાને કામચલાઉ ધોરણે નવા ખેલાડીઓને સાઇન કરી શકશે.
અગાઉ એવો નિયમ હતો કે જો કોઈ ખેલાડી બીમાર હોય કે ઈજા પામ્યો હોય તો જ તેના સ્થાને અન્ય કોઈ ખેલાડીને ટીમમાં સમાવી શકાતો હતો. જોકે હવે નિયમમાં ફેરફાર કરાયો છે જે મુજબ જો કોઈ પ્લેયર બાકીની મેચોમાં રમવા પાછો ન આવે તો તેનું ફ્રેન્ચાઇઝી તેના સ્થાને અન્ય કોઈ પ્લેયરને (12મી લીગ મેચ પહેલાં) સાઇન કરી શકશે. જોકે શરત માત્ર એટલી છે કે ટીમમાં આવા નવા સામેલ કરાનારા ખેલાડીને આવતા વર્ષની સીઝન પહેલાં ટીમમાં જાળવી નહીં શકાય (રીટેન નહીં કરી શકાય).
બીજી રીતે કહીએ તો નવા સામેલ થનારા ખેલાડીએ 2026ની આઇપીએલ માટેની હરાજીમાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આઇપીએલનો છેલ્લો રાઉન્ડ શનિવારે શરૂૂ થઈ રહ્યો છે. મોટા ભાગના વિદેશી ખેલાડીઓ ભારત પાછા આવી રહ્યા છે, પરંતુ દિલ્હી કેપિટલ્સનો ઑસ્ટ્રેલિયન ખેલાડી જેક ફ્રેઝર-મેકગર્ક અને ચેન્નઈ સુપર કિંગ્સનો જેમી ઓવર્ટન પાછા નથી આવવાના.
આ ચાર ખેલાડીઓને ગયા અઠવાડિયે આઇપીએલને (ભારત-પાકિસ્તાન વચ્ચેના ટૂંકા યુદ્ધને પગલે) સસ્પેન્ડ કરવામાં આવી એના 48 કલાક પહેલાં ખરીદવામાં આવ્યા હતા: સેદિકુલ્લા અટલ (દિલ્હી કેપિટલ્સ), મયંક અગરવાલ (રોયલ ચેલેન્જર્સ બેંગલૂરુ) તેમ જ લ્હુઆન ડ્રે-પ્રિટોરિયસ તથા નેન્ડ્રે બર્ગર (રાજસ્થાન રોયલ્સ).