માન્ચેસ્ટરમાં ટીમ ઇન્ડિયાની મુશ્કેલી વધી, સ્ટાર ખેલાડી અર્શદિપસિંહ ઇજાગ્રસ્ત
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ 23 જુલાઈથી માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે શરૂૂ થવાની છે. આ મેચ દ્વારા ટીમ ઈન્ડિયા શ્રેણીમાં વાપસી પર નજર રાખી રહી છે. પરંતુ પહેલાથી જ પ્લેઈંગ ઈલેવન પસંદ કરવાના પડકારનો સામનો કરી રહેલી ટીમ ઈન્ડિયા હવે એક સ્ટાર ખેલાડીની ઈજાને કારણે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. અહેવાલો અનુસાર, ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ ઈજાગ્રસ્ત થયો છે અને આ ઈજા તે જ હાથમાં છે જેનાથી તે બોલિંગ કરે છે.
લોર્ડ્સ ટેસ્ટમાં હાર બાદ ટીમ ઈન્ડિયાએ વાપસીની તૈયારીઓ શરૂૂ કરી દીધી હતી. કોચ ગૌતમ ગંભીરની દેખરેખ હેઠળ, ભારતીય ટીમ માન્ચેસ્ટર ટેસ્ટ પહેલા તે જ જગ્યાએ પાછી ફરી હતી, જ્યાં તેમણે ટેસ્ટ શ્રેણી શરૂૂ થતા પહેલા તૈયારી કરી હતી. ટીમ ઈન્ડિયાએ લંડન નજીક બેકનહામમાં ચોથી ટેસ્ટ માટે તૈયારીઓ શરૂૂ કરી હતી અને અહીં ટીમને અર્શદીપની ઈજાના રૂૂપમાં મોટો ઝટકો લાગ્યો છે.
એક અહેવાલ મુજબ, ટીમ ઈન્ડિયાની પ્રેક્ટિસ દરમિયાન અર્શદીપ સિંહને ડાબા હાથમાં ઈજા થઈ હતી. અર્શદીપ સિંહ નેટમાં સાઈ સુદર્શનને બોલિંગ કરી રહ્યો હતો અને આ દરમિયાન સુદર્શને એક શોટ ફટકાર્યો, જેને રોકવાનો પ્રયાસ કરતી વખતે અર્શદીપને ડાબા હાથમાં ઈજા થઈ. તેના ડાબા હાથમાં બોલ લાગ્યો અને લોહી નીકળવા લાગ્યું. મેડિકલ ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ અને તેની તપાસ શરૂૂ કરી. ચિંતાજનક વાત એ હતી કે આ ઈજા તેના ડાબા હાથમાં થઈ હતી અને તે ડાબા હાથી જ બોલ ફેંકે છે.
તેની ઈજા કેટલી ગંભીર છે તે અંગે હાલમાં સ્પષ્ટતા થઈ નથી. અર્શદીપની ઈજા એવા સમયે થઈ છે જ્યારે ટીમ ઈન્ડિયા ચોથી ટેસ્ટમાં બોલિંગ કોમ્બિનેશનમાં બદલાવ અંગે વિચારી રહી છે. હાલમાં એ સ્પષ્ટ નથી કે સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આ મેચમાં રમશે કે નહીં. આવી સ્થિતિમાં, અર્શદીપની ઈજા તેના અને ટીમ માટે સમસ્યા બની શકે છે. આ 26 વર્ષીય ફાસ્ટ બોલરે હજુ સુધી ટેસ્ટ ડેબ્યૂ કર્યું નથી. જોકે, શ્રેણી સમાપ્ત થાય તે પહેલા તેને ઓછામાં ઓછી એક મેચમાં તક મળવાની આશા છે.