ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી શ્રેયસ ઐય્યર ICUમાં દાખલ, જાણો હવે કેવી છે તબિયત
ભારતીય વનડે ટીમનાવાઇઝ-કેપ્ટન શ્રેયસ ઐયરને સિડનીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને ICUમાં રાખવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી મેચ દરમિયાન પાંસળીમાં થયેલી ઈજાને કારણે તેને ઇન્ટર્નલ બ્લિડીંગ થઈ રહ્યું છે. તેમને 5 થી 7 દિવસ હોસ્પિટલમાં રહેવાની જરૂર પડી શકે છે. જોકે આ તેમના સ્વસ્થ થવા પર નિર્ભર રહેશે.
શ્રેયસ ઐયરને સિડનીમાં શ્રેણીની ત્રીજી અને અંતિમ ODI મેચ દરમિયાન પાંસળીમાં ઈજા થઈ હતી. ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સની 34મી ઓવરમાં હર્ષિત રાણાના બોલ પર એલેક્સ કેરીને કેચ કરવાનો પ્રયાસ કરતી વખતે તેને આ ઈજા થઈ હતી. બેકવર્ડ પોઈન્ટ પર રહેલા શ્રેયસ ઐયર કેચ લેવા માટે પાછળની તરફ દોડ્યા પરંતુ ઈજાથી પોતાને બચાવી શક્યા નહીં.
તેમની હાલત ગંભીર હતી. તેઓ મેદાન પર પેટ અને છાતીને પકડીને પીડાથી ચીસો પાડતા જોવા મળ્યા હતા, ત્યારબાદ મેડિકલ ટીમે તેમને મેદાનની બહાર લઈ ગયા હતા. જોકે, તેમની ઈજા ગંભીર હોવાથી તેમને સિડનીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
શ્રેયસ ઐયર ઓસ્ટ્રેલિયા સામેની T20 શ્રેણી માટે ભારતીય ટીમનો ભાગ નથી. તેમ છતાં, ટીમ મેનેજમેન્ટે તેમને ફક્ત તેમની સારવાર માટે ઓસ્ટ્રેલિયામાં રાખ્યા છે. અહેવાલો અનુસાર, ઐયરને ICUમાં રાખવાનો નિર્ણય આંતરિક રક્તસ્રાવને કારણે ચેપના ભયને કારણે લેવામાં આવ્યો હતો. તેમના હોસ્પિટલમાં દાખલ થવાનો સમયગાળો તેમના સ્વસ્થ થવા પર નિર્ભર રહેશે. જોકે, એવી અપેક્ષા છે કે તેઓ લગભગ એક અઠવાડિયા સુધી હોસ્પિટલમાં રહેશે.
શ્રેયસ ઐયરની ઈજા અંગે BCCI અપડેટ
BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ શ્રેયસ ઐયરની ઈજા અંગે અપડેટ આપતા જણાવ્યું હતું કે સ્કેનથી બરોળની ઈજા હોવાનું બહાર આવ્યું છે. હાલમાં, તેમની સારવાર ચાલી રહી છે અને તેમની હાલત સ્થિર છે. દેવજીત સૈકિયાએ જણાવ્યું હતું કે ઐયર સ્વસ્થ થઈ રહ્યા છે. BCCI મેડિકલ ટીમ સિડનીમાં નિષ્ણાત ડોકટરો સાથે સતત સંપર્કમાં છે અને ઐયરની સ્થિતિનું નિરીક્ષણ કરી રહી છે. ભારતીય ટીમના ડોકટરો ઐયર સ્વસ્થ ન થાય ત્યાં સુધી સિડનીમાં રહેશે અને તેમની દૈનિક રિકવરીનું નિરીક્ષણ કરશે.
