ટી-20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઇન્ડિયાની નવી જર્સીનું અનાવરણ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ટી-20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઈન્ડિયાની નવી જર્સીનું અનાવરણ કર્યું છે. આ લોન્ચિંગ રાયપુરમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ઓડીઆઇ દરમિયાન થયું હતું, જ્યાં ભારતે શાનદાર બેટિંગ પ્રદર્શન કર્યું હતું અને 358 રન બનાવ્યા હતા. ભારતની ઇનિંગ્સ સમાપ્ત થયા પછી તરત જ જર્સીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. નવી જર્સીનો મુખ્ય રંગ ઘેરો વાદળી છે, પરંતુ ડિઝાઇનમાં ઘણા આકર્ષક ફેરફારો કરવામાં આવ્યા છે.
જર્સીની બોર્ડર પર નારંગી રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સૌથી નોંધપાત્ર વાત એ છે કે, હવે કોલર પર ભારતીય ત્રિરંગો દેખાશે. જર્સીમાં ઊભા વાદળી પટ્ટાઓ પણ ઉમેરવામાં આવી છે, જે તેને એક નવો દેખાવ આપે છે. ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા અને યુવા બેટ્સમેન તિલક વર્માએ સ્ટેજ પર નવી જર્સીનું અનાવરણ કર્યું. BCCI સચિવ દેવજીત સૈકિયા અને એડિડાસના એક અધિકારીએ આ પ્રસંગે ખેલાડીઓને ટી-20 વર્લ્ડ કપની જર્સી લોન્ચ કરી.
ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે યોજાનારા આગામી વર્ષે યોજાનાર ICC T20 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કરવામાં આવી ચૂક્યું છે. આ ટુર્નામેન્ટ 7 ફેબ્રુઆરીએ પાકિસ્તાન અને નેધરલેન્ડ્સ વચ્ચેની મેચથી શરૂૂ થશે, અને ફાઇનલ 8 માર્ચે યોજાશે. પાછલી આવૃત્તિની જેમ, 20 ટીમો ક્વોલિફાય થઈ છે. બધી 20 ક્વોલિફાઇંગ ટીમોને ચાર ગ્રુપમાં વિભાજિત કરવામાં આવી છે.