દક્ષિણ આફ્રિકા ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાનું એલાન!! રિષભ પંતનું કમબેક, શમીને ન મળ્યો મોકો
ભારત-સાઉથ આફ્રિકા ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. આ બે મેચની ટેસ્ટ શ્રેણી 14 નવેમ્બરથી શરૂ થશે. આ શ્રેણીની ખાસ વાત એ છે કે ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને ટીમમાં સ્થાન મળ્યું નથી.ઘરઆંગણે સીરિઝમાં શમીના પ્રદર્શન અને ટીમ પસંદગીને લઈને તાજેતરમાં થયેલા શાબ્દિક ઝઘડાને પગલે શમીનો સમાવેશ થાય તેવી અપેક્ષા હતી. જોકે, તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.
ભારતની ટેસ્ટ ટીમ: શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર) (ઉપ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, દેવદત્ત પડિકલ, ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ અને આકાશ દીપ.
બીસીસીઆઈ પસંદગી સમિતિએ આગામી બે મેચની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. શુભમન ગિલને આ પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમનો કેપ્ટન નિયુક્ત કરવામાં આવ્યો છે, જ્યારે ઋષભ પંત ઉપ-કેપ્ટન અને વિકેટકીપર તરીકે સેવા આપશે.
આ ટેસ્ટ શ્રેણી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ખૂબ જ અપેક્ષિત મુકાબલો માનવામાં આવે છે, જે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ચક્રમાં પણ મહત્વપૂર્ણ સાબિત થશે.
ઋષભ પંતનું વાપસી પણ મોટા સમાચાર છે. પંતને ઈંગ્લેન્ડમાં માન્ચેસ્ટર ટેસ્ટ દરમિયાન ગંભીર ઈજા થઈ હતી. જોકે, તેણે દક્ષિણ આફ્રિકા A સામે સારી ઇનિંગ રમીને વાપસીનો સંકેત આપ્યો હતો. હવે તે પાછો ફર્યો છે, જે WTC અભિયાન માટે સારો સંકેત છે.
ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ 14 નવેમ્બરથી કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાશે, જ્યારે બીજી ટેસ્ટ 22 નવેમ્બરથી ગુવાહાટીમાં રમાશે.