બાંગ્લાદેશને 86 રને હરાવીને ટીમ ઈન્ડિયાએ સીરીઝ જીતી
નીતિશ રેડ્ડી અને રિંકુ સિંહની શાનદાર બેટિંગ
સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. બુધવારે (9 ઓક્ટોબર) દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામે રમાયેલી મેચમાં ટીમે 86 રનથી જીત મેળવી છે. આ જીત સાથે ભારતીય ટીમે 3 મેચની ટી20 શ્રેણી 2-0થી જીતી લીધી છે.
આ મેચના હીરો બેટ્સમેન નીતિશ રેડ્ડી અને રિંકુ સિંહ હતા, જેમણે તાબડતોબ બેટિંગ કરીને અર્ધસદી ફટકારી હતી. જેના કારણે ભારતીય ટીમે બાંગ્લાદેશને 222 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ પછી બોલરોએ બાંગ્લાદેશી બેટ્સમેનોને રડાવ્યા અને આખી ટીમ 9 વિકેટે 135 રન જ બનાવી શકી.
બાંગ્લાદેશ માટે પોતાની છેલ્લી સિરીઝ રમી રહેલા મહમુદુલ્લાહે શાનદાર બેટિંગ કરી અને 41 રન બનાવ્યા હતા. તેના સિવાય અન્ય કોઈ બેટ્સમેન 20 રનના આંકડાને સ્પર્શી શક્યો નહોતો. આ મેચમાં ભારતીય બોલરોએ સાથે મળીને શાનદાર પ્રદર્શન કર્યું હતું. નીતિશ રેડ્ડી અને વરુણ ચક્રવર્તીએ 2-2 વિકેટ લીધી હતી. જ્યારે અર્શદીપ સિંહ, વોશિંગ્ટન સુંદર, અભિષેક શર્મા, મયંક યાદવ અને રેયાન પરાગને 1-1 સફળતા મળી હતી.