અંડર-19 મહિલા એશિયા કપમાં ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશને 8 વિકેટે હરાવ્યું
સ્પિનર આયુષી શુકલાએ નવ રન આપી 3 વિકેટ ઝડપી, જી ત્રિશાના અણનમ 81 રન
મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં રમાઈ રહેલા મહિલા અંડર-19 એશિયા કપમાં ભારતે એકતરફી જીત મેળવી હતી. આઠમી મેચમાં લેફ્ટ આર્મ સ્પિનર આયુષી શુક્લાએ ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. ટીમ ઈન્ડિયાએ સુપર 4 રાઉન્ડમાં બાંગ્લાદેશને 8 વિકેટે હરાવીને શાનદાર જીત નોંધાવી હતી.
કુઆલાલંપુરમાં રમાઈ રહેલી આ ટૂર્નામેન્ટમાં બાંગ્લાદેશની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 80 રન જ બનાવી શકી હતી, જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 12.1 ઓવરમાં આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
ટીમ ઈન્ડિયાની જીતની સ્ક્રિપ્ટ લેફ્ટ આર્મ સ્પિનર આયુષી શુક્લાએ લખી હતી. આયુષીએ 4 ઓવરમાં માત્ર 9 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. મોટી વાત એ છે કે આ ખેલાડીએ એક ઓવર મેડન પણ કરી હતી. તેના સિવાય સોનમ યાદવે 4 ઓવરમાં માત્ર 6 રન આપીને 2 વિકેટ લીધી હતી.
બોલ સાથે આયુષી અને સોનમના વિસ્ફોટક પ્રદર્શન બાદ જી ત્રિશાએ બેટ સાથે શાનદાર પ્રદર્શન કર્યું. ટીમ ઈન્ડિયાની ઓપનરે એકલા હાથે 81 રનના ટાર્ગેટમાંથી 58 રન બનાવ્યા હતા અને તેની ઈનિંગમાં 10 ફોર ફટકારી હતી અને તેનો સ્ટ્રાઈક રેટ 126 હતો. મોટી વાત એ છે કે ત્રિશા અણનમ રહીને પેવેલિયન પરત ફરી હતી. તેના સિવાય કેપ્ટન નિક્કી પ્રસાદે 14 બોલમાં અણનમ 22 રન ફટકારીને ટીમ ઈન્ડિયાની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.ભારતીય ક્રિકેટ ટીમે સુપર 4માં તેની 3 મેચમાંથી 2 જીતી છે. તે પાંચ પોઈન્ટ સાથે ટોચ પર છે. બાંગ્લાદેશની ટીમના 4 પોઈન્ટ છે, અને તે બીજા સ્થાને છે. હવે ભારતીય ટીમ તેની આગામી મેચ આજે શ્રીલંકા સામે રમશે. રવિવારે ફાઈનલ મેચ રમાશે.
આ ટૂર્નામેન્ટમાં ભારતીય ખેલાડીઓના આંકડાની વાત કરીએ તો ત્રિશા 3 મેચમાં 75 રન બનાવીને બીજા સ્થાન પર છે. શ્રીલંકાના નાનાયક્કારા 79 રન સાથે પ્રથમ સ્થાને છે. બંને વચ્ચે બહુ તફાવત નથી, બોલિંગમાં ત્રિશા 6 વિકેટ સાથે બીજા સ્થાને છે. બાંગ્લાદેશની નિશિતા 7 વિકેટ સાથે પ્રથમ સ્થાન પર છે.