ટીમ ઇન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને કચડ્યું, T-20 શ્રેણી 1-1થી ડ્રોસ્મૃતિ મંઘાનાની 8 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 40 બોલમાં ફિફ્ટી
દક્ષિણ આફ્રિકાની ટીમ આ શ્રેણી માટે ભારત આવી હતી પરંતુ ત્રણેય ફોર્મેટમાં માત્ર એક જ જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને ઘઉઈં સિરીઝમાં 3-0થી હરાવ્યું હતું, ત્યારબાદ ભારતીય ટીમે એકમાત્ર ટેસ્ટ મેચ પણ જીતી હતી. જો કે ટી-20 શ્રેણી 1-1થી બરાબર રહી હતી.ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકા સામેની શ્રેણીનો જબરદસ્ત વિજય સાથે અંત કર્યો છે.
ટી20 સિરીઝની છેલ્લી મેચમાં હરમનપ્રીત કૌરની કેપ્ટન્સીવાળી ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને એકતરફી રીતે 10 વિકેટથી હરાવ્યું હતું. પ્રથમ મેચમાં હાર અને બીજી મેચ રદ્દ થયા બાદ ટીમ ઈન્ડિયા માટે શ્રેણીમાં બરોબરી કરવાની આ છેલ્લી તક હતી અને આ પ્રસંગે ભારતીય ખેલાડીઓએ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. પૂજા વસ્ત્રાકર અને રાધા યાદવની તીક્ષ્ણ બોલિંગ સામે દક્ષિણ આફ્રિકાની આખી ટીમ માત્ર 84 રનમાં જ ધ્વસ્ત થઈ ગઈ હતી, જે ભારતીય ટીમે સ્મૃતિ મંધાનાની અડધી સદીના આધારે 11 ઓવરમાં જ હાંસલ કરી લીધી હતી.
ત્રણ મેચોની શ્રેણીની છેલ્લી મેચ મંગળવારે નવમી જુલાઈએ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ હતી.
આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓલરાઉન્ડર પૂજા વસ્ત્રાકરે દક્ષિણ આફ્રિકાના ટોપ અને મિડલ ઓર્ડરને તબાહ કરી નાખ્યું હતું. પૂજાએ માત્ર 13 રન આપ્યા અને 3.1 ઓવરમાં 4 વિકેટ લીધી. જ્યારે લેફ્ટ આર્મ સ્પિનર રાધા યાદવે નીચલા ક્રમનો ઝડપથી નિકાલ કર્યો હતો. કેપ્ટન હરમનપ્રીત કૌર સહિત તમામ ખેલાડીઓએ ફિલ્ડિંગમાં જબરદસ્ત કામ કર્યું અને તેની અસર મેચમાં જોવા મળી. આ વખતે ભારતીય ટીમે એકપણ કેચ છોડ્યો ન હતો, અને ડાઈવિંગ કરીને 2-3 શાનદાર કેચ પણ લીધા હતા. દક્ષિણ આફ્રિકાની ટીમ 17.1 ઓવરમાં માત્ર 84 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ટાર્ગેટ પહેલેથી જ ઘણો નાનો હતો, પરંતુ શાનદાર ફોર્મમાં ચાલી રહેલી વાઈસ કેપ્ટન અને સ્ટાર ઓપનર સ્મૃતિએ દક્ષિણ આફ્રિકાને કોઈ તક આપી ન હતી. સ્મૃતિ અને શેફાલી વર્માએ શરૂૂઆતથી જ એટેક ચાલુ રાખ્યો હતો. સ્મૃતિએ 11મી ઓવરના પાંચમા બોલ પર સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી અને 40 બોલમાં પોતાની મજબૂત અડધી સદી પણ પૂરી કરી. તે 8 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 54 રન બનાવીને અણનમ રહી હતી. જ્યારે શેફાલીએ 27 રન બનાવ્યા હતા.