ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, બુમરાહ વાઈસ કેપ્ટન
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ ન્યૂઝીલેન્ડ સામે 16 ઓક્ટોબરથી શરૂૂ થનારી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી માટે ટેસ્ટ ટીમની જાહેરાત કરી છે. જેમાં રોહિત શર્માને કેપ્ટન અને જસપ્રિત બુમરાહને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ફાસ્ટ બોલરને આગામી શ્રેણી માટે મોટી જવાબદારી સોંપવામાં આવી છે.
બીસીસીઆઈએ બાંગ્લાદેશ સામે 11 ટેસ્ટ વિકેટ લઈને આઈસીસી ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં ટોચના સ્થાને રહેલા બુમરાહને પુરસ્કાર ઈનામ આપ્યું છે. તેને આગામી ટેસ્ટ શ્રેણી માટે ટીમનો વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ફાસ્ટ બોલરે ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં રવિચંદ્રન અશ્વિનને પાછળ છોડી દીધો હતો. બંને બાંગ્લાદેશ સામે સંયુક્ત રીતે સૌથી વધુ વિકેટ લેનારા બોલર હતા.
ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે પસંદ કરાયેલી ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પસંદગી સમિતિએ એવા ખેલાડીઓને જ તક આપી છે જેઓ તાજેતરમાં બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં રમતા જોવા મળ્યા હતા. ભારતે આ શ્રેણી 2-0થી કબજે કરી હતી. હવે ટીમની નજર કિવી ટીમ સામે ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી પર છે. આ વખતે ટીમને ઘટાડીને 15 કરવામાં આવી છે જેમાં અનકેપ્ડ ડાબોડી ઝડપી બોલર યશ દયાલનો સમાવેશ કરવામાં આવ્યો નથી. યશ દયાલ બાંગ્લાદેશ સામે ટીમ ઈન્ડિયાનો ભાગ હતા પરંતુ આ વખતે ટીમમાં સામેલ નથી. લખનઉમાં બંગાળ સામે ઉત્તર પ્રદેશની રણજી ટ્રોફી મેચ દરમિયાન ખભામાં ઈજા થવાને કારણે તેઓ બહાર થઈ ગયો. આ જ કારણે તેમની પસંદગી ટીમમાં કરવામાં આવી નથી. ટીમમાં હર્ષિત રાણા, નિતિશ કુમાર રેડ્ડી, મયંક યાદવ અને પ્રસિદ્ધ કૃષ્ણાને ટ્રેવલિંગ રિઝર્વ તરીકે રાખવામાં આવ્યા છે.
ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ. કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ.
ભારત-ન્યૂઝીલેન્ડ સિરીઝનું શેડ્યૂલ
પહેલી ટેસ્ટ - 16-20 ઓક્ટોબર - સવારે 9-30થી બેંગાલુરુ
બીજી ટેસ્ટ - 24 - 28 ઓક્ટોબર - સવારે 9-30થી પુણે
ત્રીજી ટેસ્ટ - 1 - 5 નવેમ્બર - સવારે 9-30થી મુંબઈ