ટીમ ઇન્ડિયા પ્રથમ દાવમાં 180 રનમાં ઓલઆઉટ, રોહિત-વિરાટ નિષ્ફળ
ટીમ ઈન્ડિયા એડિલેડ ટેસ્ટના પ્રથમ દાવમાં 180 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન નીતિશ રેડ્ડીએ 42 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. સ્ટાર્કે 6 વિકેટ લીધી હતી.
ભારતની શરૂૂઆત ખરાબ રહી હતી. ઓપનર યશસ્વી જયસ્વાલ શૂન્ય પર આઉટ થયો હતો. મિચેલ સ્ટાર્કે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ભારતની બીજી વિકેટ કેએલ રાહુલના રૂૂપમાં પડી. 64 બોલનો સામનો કરીને તે 37 રન બનાવીને આઉટ થયો હતો. રાહુલે આ ઈનિંગ દરમિયાન 6 ચોગ્ગા ફટકાર્યા હતા. વિરાટ કોહલીના રુપમાં ટીમની ત્રીજી વિકેટ પડી, તે માત્ર 7 રન બનાવીને આઉટ થયો.
શુભમન ગિલ અને રાહુલ વચ્ચે અડધી સદીની ભાગીદારી બની હતી. પરંતુ તે લાંબો સમય ટકી શક્યો નહીં. શુભમન 51 બોલમાં 31 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 5 ચોગ્ગા ફટકાર્યા હતા. રિષભ પંતે 35 બોલનો સામનો કરીને 21 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્મા માત્ર 3 રન બનાવીને આઉટ થયો હતો. અશ્વિને 3 ચોગ્ગાની મદદથી 22 રન બનાવ્યા હતા. હર્ષિત રાણા ખાતું પણ ખોલાવી શક્યો ન હતો.
રેડ્ડીએ ઓસ્ટ્રેલિયન બોલરોને જડબાતોડ જવાબ આપ્યો હતો. તેણે 54 બોલનો સામનો કર્યો અને 42 રન બનાવ્યા. રેડ્ડીની આ ઇનિંગમાં 3 ફોર અને 3 સિક્સ સામેલ હતી. મોહમ્મદ સિરાજે એક ફોરની મદદથી અણનમ 4 રન બનાવ્યા હતા.
મિચેલ સ્ટાર્ક ભારત માટે ઘાતક સાબિત થયો હતો. તેણે 14.1 ઓવરમાં 48 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. તેણે 2 મેડન ઓવર નાખી હતી.. કેપ્ટન પેટ કમિન્સે 2 વિકેટ લીધી હતી. તેણે 12 ઓવરમાં 41 રન આપ્યા હતા. સ્કોટ બોલેન્ડે 13 ઓવરમાં 54 રન આપીને 2 વિકેટ લીધી હતી.