ભારત-બાંગ્લાદેશ વચ્ચે કાલથી T-20 સિરીઝ
ભારત-બાંગ્લાદેશ વચ્ચે કાલથી 3 મેચની ટી20 સિરીઝ શરૂૂ થવા જઈ રહી છે. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં એક યુવા ટીમ આ સિરીઝમાં રમતી જોવા મળશે. આ સિરીઝ માટે ભારતીય ટીમ સ્ક્વોડમાં રેગ્યુલર ઓપનર તરીકે માત્ર અભિષેક શર્માનું જ નામ સામેલ છે. એવામાં અભિષેક શર્મા સાથે કોણ ઇનિંગની શરૂૂઆત કરશે તે સૌથી મોટો સવાલ છે.ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સબા કરીમે આ મુદ્દે એક મોટું નિવેદન આપ્યું છે.
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સબા કરીમ બાંગ્લાદેશ સામે રિંકુ સિંહને ઓપનિંગ કરતો જોવા માંગે છે. સબા કરીમે અભિષેક શર્મા સાથે રિંકુ સિંહને ઓપનિંગ માટે પસંદગી કરી છે. રિંકુ સિંહ ફિનિશરની ભૂમિકા નિભાવે છે. પરંતુ સબા કરીમ માને છે કે રિંકુને વધુ બોલ રમવા માટે મળવા જોઈએ. જો તેને ઉપરના ક્રમે બેટિંગની તક મળે તો તે વધુ યોગદાન આપી શકે છે.
સબા કરીમે કહ્યું, તેની ઘણી સંભાવના છે કે, આપણે ભારત માટે ઓપનિંગ કરતા અભિષેક શર્મા સાથે રિંકુ સિંહને જોઈએ. રિંકુ જે પણ તક મળી છે તે છઠ્ઠા કે સાતમા નંબરે બેટિંગ માટે ઉતરે છે. ધ્યાન રહે રિંકુ એક કમ્પ્લીટ પ્લેયર છે. જો તેને વધુ તક મળે, વધુ બોલ મળે, તો તે ટીમ માટે વધુ સારું યોગદાન આપી શકે છે. આ માટે સંયોજનની પ્રબળ સંભાવના છે.
આ સિરીઝમાં અભિષેક શર્મા સાથે સંજુ સેમસનને પણ ઓપનિંગ કરતો જોઈ શકાય છે. તેણે ટીમ ઇન્ડિયા માટે અત્યાર સુધીમાં 5 ટી20 મેચમાં ઓપનિંગ પણ કર્યું છે. આ દરમિયાન સંજુ માત્ર 105 રન બનાવી શક્યો છે. જેમાં એક 77 રનની ઇનિંગ પણ સામેલ છે. જે તેણે આયર્લેન્ડ સામે રમી હતી. ટીમ ઇન્ડિયાએ છેલ્લી ટી20 સિરીઝ શ્રીલંકા સામે રમી હતી. આ સિરીઝમાં સંજુ સેમસન ઓપનર તરીકે જ રમ્યો હતો. જોકે આ મેચમાં તે ખાતુ ખોલ્યા વગર જ આઉટ થયો હતો. ટીમ ઇન્ડિયાની આ સ્ક્વોડમાં સંજુ સિવાય જિતેશ શર્મા પણ ઉપસ્થિત છે. જેને ઓપનર તરીકે તક આપી શકાય.