સૂર્યકુમાર યાદવે મેચ ફીની રકમ પહેલગામ હુમલાના પીડિતોને આપી
સૂર્યકુમાર યાદવે પાકિસ્તાનના મોઢા પર વધુ એક થપ્પડ મારી, તેમની મેચ ફી દાનમાં આપવાની જાહેરાત કરતા લખ્યું, મેં આ ટુર્નામેન્ટ માટે મારી મેચ ફી આપણા સશસ્ત્ર દળો અને પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતોના પરિવારોને મદદ કરવા માટે દાન કરવાનો નિર્ણય લીધો છે. તમે હંમેશા મારા વિચારોમાં રહેશો.
ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે એશિયા કપ 2025 જીત્યા પછી પાકિસ્તાનના મોઢા પર વધુ એક થપ્પડ મારી છે. તેમણે પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતોના પરિવારોને મદદ કરવા માટે તેમની મેચ ફી દાનમાં આપવાનો નિર્ણય લીધો છે. એશિયા કપની શરૂૂઆતથી, ભારત દરેક તક પર પાકિસ્તાનનો વિરોધ કરી રહ્યું છે. ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા ન હતા કે કોઈ પણ પ્રકારનો સંપર્ક જાળવી રાખ્યો ન હતો. ગ્રુપ સ્ટેજ મેચ જીત્યા પછી, સૂર્યકુમાર યાદવે તે જીત સશસ્ત્ર દળો અને પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતોના પરિવારોને સમર્પિત કરી હતી. જોકે, પાકિસ્તાન હજુ પણ નારાજ હતું અને આઇસીસીને ફરિયાદ કરી હતી, જેના પગલે સૂર્યકુમાર યાદવ પર તેની મેચ ફીના 30 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો.
હવે, ટ્રોફી જીત્યા પછી, સૂર્યકુમાર યાદવે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે તે તેની મેચ ફીનું દાન કરશે. આવી સ્થિતિમાં, આઇસીસી પણ કંઈ કરી શકશે નહીં. સૂર્યકુમાર યાદવે એકસ પર પોતાની મેચ ફી દાનની જાહેરાત કરતા લખ્યું, મેં આ ટુર્નામેન્ટ માટે મારી મેચ ફી આપણા સશસ્ત્ર દળો અને પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતોના પરિવારોને મદદ કરવા માટે દાન કરવાનો નિર્ણય લીધો છે.