સ્ટાર ખેલાડીઓ પણ ઘરેલું ક્રિકેટ રમે, BCCIનું નવું ફરમાન
રોહિત શર્મા, વિરાટ કોહલી અને બૂમરાહને છૂટ
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ માટે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા તરફથી નવો ઓર્ડર આવ્યો છે. બોર્ડે ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓને પણ ડોમેસ્ટિક ક્રિકેટ રમવા માટે કહ્યું છે. બીસીસીઆઇ સેક્રેટરી જય શાહે સ્પષ્ટ કર્યું છે કે રાષ્ટ્રીય ટીમના ખેલાડીઓ જ્યારે પણ ફ્રી હશે ત્યારે ઘરેલુ ક્રિકેટ માટે ઉપલબ્ધ હોવા જોઈએ. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, બીસીસીઆઈના સચિવ જય શાહે સ્પષ્ટ કર્યું છે કે જ્યારે રાષ્ટ્રીય ટીમના ખેલાડીઓ દેશ માટે નહીં રમે, ત્યારે તેઓએ ઘરેલુ ક્રિકેટ રમવા માટે ઉપલબ્ધ રહેવું પડશે. રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે બોર્ડ ઈચ્છે છે કે ટેસ્ટ ટીમના ખેલાડીઓ આગામી દુલીપ ટ્રોફીમાં ઓછામાં ઓછી એક મેચ રમે. ભારતે ઓગસ્ટમાં બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ સીરીઝ રમવાની છે. આવી સ્થિતિમાં ખેલાડીઓ દુલીપ ટ્રોફી માટે તૈયાર થશે.
બીસીસીઆઇનો આ નિર્ણય રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહ પર લાગુ નહીં પડે. બોર્ડે આ ત્રણ ખેલાડીઓને છૂટ આપી છે. બોર્ડનું કહેવું છે કે આ ત્રણેય ખેલાડીઓએ જાતે જ નક્કી કરવું જોઈએ કે તેઓ ઘરેલુ ક્રિકેટ રમવા માંગે છે કે નહીં. આનો સ્પષ્ટ અર્થ છે કે બોર્ડ આ ત્રણેય ખેલાડીઓ પર કોઈપણ પ્રકારનું દબાણ નહીં કરે.
અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ વખતે માત્ર ટીમ ઈન્ડિયાના પસંદગીકારો જ દુલીપ ટ્રોફી માટે પસંદગી કરશે. દુલીપ ટ્રોફી માટે કોઈ પ્રાદેશિક પસંદગી સમિતિ નથી. આમાં ટેસ્ટ રમનારા તમામ ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે. જોકે, તેઓ પોતે જ નક્કી કરશે કે રોહિત, કોહલી અને બુમરાહ આમાં રમવા માંગે છે કે નહીં. ગયા વર્ષે બીસીસીઆઈએ માત્ર શ્રેયસ અય્યર અને ઈશાન કિશનને ડોમેસ્ટિક ક્રિકેટ રમવા માટે કહ્યું હતું.