ઇંગ્લેન્ડને હરાવી સ્પેન ચોથી વખત યુરો કપ ચેમ્પિયન
12 વર્ષ બાદ સ્પેને ફરી ટ્રોફી મેળવી, ઇંગ્લેન્ડની સતત બીજી હાર
1960માં શરૂૂ થયેલા યુરો કપને ફૂટબોલની સૌથી મોટી ટુર્નામેન્ટ માનવામાં આવે છે. તેની ફાઈનલ મેચ 15 જુલાઈના રોજ થઈ હતી. જેમાં સ્પેનની ટીમ ઈંગ્લેન્ડને 2-1થી હરાવીને ચોથી વખત આ ટુર્નામેન્ટની ચેમ્પિયન બની હતી. આ સાથે જ ઈંગ્લેન્ડની ટીમ સતત બીજી વખત ફાઇનલમાં હારી ગઈ છે. યુરો કપ 2024 ની ફાઈનલ મેચ જર્મનીના બર્લિનમાં સ્પેન અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી.
આ મેચમાં સ્પેને ઈંગ્લેન્ડને 2-1થી હરાવ્યું હતું. આ સાથે તે ચોથી વખત યુરો કપનો ચેમ્પિયન બન્યો છે. સ્પેને આ ટ્રોફી 12 વર્ષ બાદ ફરીથી મેળવી છે. સ્પેનિશ ટીમ આ પહેલા 1964, 2008 અને 2012માં આ ટ્રોફી જીતી ચૂકી છે.
યુરો કપ 2024 જીતીને સ્પેને પણ રેકોર્ડ બનાવ્યો હતો. આ ટ્રોફી સૌથી વધુ 4 વખત જીતનાર તે પહેલો દેશ બન્યો છે. તે જ સમયે, ઇંગ્લેન્ડને સતત બીજી વખત યુરો કપની ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. ઈંગ્લેન્ડની ટીમ 2020ની ફાઇનલમાં ઈટાલી સામે હારી ગઈ હતી.
સ્પેન છેલ્લા એક દાયકાથી કોઈ મોટી ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરી શક્યું ન હતું. યુરો કપ જીત્યાને 12 વર્ષ થઈ ગયા છે. 2012માં તે રાઉન્ડ ઓફ 16માં જ બહાર થઈ ગયો હતો. જ્યારે 2020માં તેમને સેમિફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ વખતે સ્પેને શાનદાર પ્રદર્શન કર્યું હતું. સ્પેનિશ ટીમે એકપણ મેચ હાર્યા વિના આ ટુર્નામેન્ટ જીતી લીધી હતી. એટલું જ નહીં, તેણે એક એડિશનમાં સૌથી વધુ ગોલ (14) કરવાનો રેકોર્ડ પણ બનાવ્યો. ફાઈનલ મેચમાં નિકો વિલિયમ્સ અને મિકેલ ઓયારઝાબેલ વિજયના હીરો રહ્યા હતા.
પ્રથમ હાફ પછી બંને ટીમો કોઈ ગોલ કરી શકી ન હતી. બીજા હાફની શરૂૂઆત થતાં જ વિલિયમ્સે શાનદાર ગોલ કરીને સ્પેનને લીડ અપાવી હતી. જોકે, ઈંગ્લેન્ડના કોલ પામરે 73મી મિનિટે ગોલ કરી બરાબરી કરી હતી. 13 મિનિટ પછી, 86માં, ઓયારઝાબાલે ફરીથી સ્પેન માટે ગોલ કર્યો, જે રમતનો વળાંક હતો.
નિકો વિલિયમ્સને તેના શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. સ્પેનનો મિડફિલ્ડર રોદ્રી પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બન્યો હતો. સમગ્ર ટૂર્નામેન્ટમાં સનસનાટી મચાવનાર 17 વર્ષીય લેમિન યમલને યંગ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.
ઇંગ્લેન્ડની ટીમે 1964થી યુરો કપમાં ભાગ લેવાનું શરૂૂ કર્યું હતું, પરંતુ 60 વર્ષમાં તે આજ સુધી આ રમત જીતી શકી નથી. હવે તેની રાહ વધુ વધી ગઈ છે. પ્રથમ વર્ષ એટલે કે 1964માં તે ટૂર્નામેન્ટ માટે ક્વોલિફાય પણ ન થઈ શકી. ઇંગ્લેન્ડને 1996માં યજમાનીનો મોકો મળ્યો હતો. તે સમયે તે સેમિફાઇનલમાં પહોંચી શકી હતી. ત્યારબાદ જર્મનીએ ટ્રોફી કબજે કરી લીધી હતી. જોકે, તે છેલ્લી બે આવૃત્તિની ફાઈનલ રમી ચૂક્યો છે.