વિમ્બલ્ડનના આકાશમાં ઉડાન ભરતી સોરઠની દીકરી
ટેનિસ રમત માટે પૂરતી સુવિધાનો અભાવ અને અનેક અવરોધો વચ્ચે વિમ્બલ્ડન સ્પર્ધામાં પહોંચી દેશ અને ગુજરાતને ગૌરવ અપાવ્યું જેન્સી કાનાબારે
અંડર 14 કેટેગરીમાં વિમ્બલ્ડન સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરી સૌથી નાની ઉંમરની પ્લેયર બની સોરઠની દીકરી જેન્સી કાનાબાર
‘સવારે લોંજમાં જ્યારે બ્રેકફાસ્ટ કરવા ગયા ત્યારે ટેનિસના વિશ્વ પ્રસિદ્ધ ખેલાડી માર્ટિના હિંગીસ પણ ત્યાં હતા. મારા પપ્પાએ તેમને જોયા અને અમે તેમની સાથે વાતચીત કરી ઓળખાણ આપી કે હું સબ જુનિયરમાંથી વિમ્બલ્ડન રમવા આવી છું ત્યારે તેઓએ એકદમ મૈત્રીપૂર્ણ રીતે અમારી સાથે વાત કરી. જ્યારે મારા મેચ વિશે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે હા તેઓએ સેન્ટર કોર્ટની ટેરેસમાંથી છ નંબરના કોર્ટ પર મને રમતી જોઈ હતી. તેઓએ મારી રમતની પ્રશંસા કરી અને વધુ મહેનત તથા પ્રેક્ટિસ કરવાનું સૂચન કરી ભવિષ્ય માટે શુભેચ્છા આપી હતી.
આ ક્ષણ મારા જીવનની ખૂબ જ મહત્વની અને યાદગાર ક્ષણ હતી’ આ શબ્દો છે જૂનાગઢની દીકરી જેન્સી કાનાબારના જેમણે હાલમાં અંડર 14 કેટેગરીમાં વિમ્બલ્ડન સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને સૌથી નાની ઉંમરના પ્લેયર તરીકે નામ નોંધાવ્યું. વિમ્બલ્ડન સ્પર્ધા સમગ્ર વિશ્વની ખૂબ જ લોકપ્રિય અને જાણીતી સ્પર્ધા છે.આ રમતનો ચાહક વર્ગ પણ ખૂબ મોટો છે. કોઈપણ ટેનિસ પ્લેયર માટે વિમ્બલ્ડનમાં રમવું અને જીતવું એ સ્વપ્ન હોય છે. વિશ્વના અનેક સિનિયર ખેલાડીઓ અહીં સુધી પહોંચવા કઠિન પરિશ્રમ કરે છે ત્યારે સોરઠની દીકરી ફક્ત સાડા તેર વર્ષની ઉંમરે વિમ્બલ્ડન સ્પર્ધામાં પહોંચી એ ભારત અને ગુજરાત માટે ગૌરવની વાત છે.
જૂનાગઢ જેવું નાનું સેન્ટર, ટેનિસ રમત માટે પૂરતી સુવિધાનો અભાવ, રમતગમત અને રમતવીર પ્રત્યે સરકાર અને સમાજનું ઉદાસીન વલણ,આર્થિક ખર્ચ વગેરે વચ્ચે જેન્સી અહીં સુધી પહોંચી એ જ મહત્વનું છે.
જીત કે હાર ગૌણ બની જાય છે આમ છતાં બે મેચમાં તેણે જીત મેળવી. જૂનાગઢના શિક્ષક દીપકભાઈ કાનાબાર અને રશ્મિબેનની એકની એક દીકરી એટલે જેન્સી. નાનપણથી જ પિતાએ રેકેટ હાથમાં આપ્યું જે તેને ગમી ગયું અને ધીમે ધીમે ઘરે તૈયારી કરાવી.4 વર્ષની ઉંમરે રમતની શરૂૂઆત કરી.ખેલ મહાકુંભ સહિતની જુદી જુદી સ્પર્ધામાં ભાગ લેવાનું તથા મેડલ જીતવાની શરૂૂઆત થઈ. દિલ્હી ખાતે એશિયન ટેનિસ ફેડરેશન ચેમ્પિયનશિપ ટૂર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવવાના પરિણામ સ્વરૂૂપ પર્ફોર્મન્સના આધારે વિમ્બલ્ડનમાં પસંદગી થઈ.અહીં સુધીની દીકરીની યાત્રામાં સૌથી મહત્વનો ફાળો પિતા દીપકભાઈનો છે. જેન્સીની ટ્રેનિંગ, પ્રેક્ટિસ, ડાયેટ,યોગ્ય કોચ શોધવા,રમત સાથે અભ્યાસ તેમજ ટેનિસ, રમવા માટેની કોર્ટ ઉપરાંત જુદી જુદી જગ્યાએ સ્પર્ધામાં દીકરી સાથે જવું અને આર્થિક ખર્ચ ઉપાડવો બધું તેમના શિરે છે. શિક્ષકની નોકરી સાથે આ બધી જવાબદારીની તેઓને ચિંતા નથી કારણકે દીકરીની પ્રગતિ તેના પરિશ્રમને લેખે લગાડે છે.તેઓ જણાવે છે કે ભારતમાં ચંદીગઢ અને કલકત્તામાં જ ગ્રાસ કોર્ટ છે.
અમદાવાદમાં મેટ ગ્રાસ કોર્ટમાં પણ પ્રેક્ટિસ કરી અને રાજકોટમાં પણ પ્રેક્ટિસનો અનુભવ લીધો છે. જૂનાગઢમાં સારી રીતે પ્રેક્ટિસ થાય તે માટે પ્રાઇવેટ કોર્ટ બનાવ્યો છે અને ખાસ કોચ પણ રાખ્યા છે. જેન્સી નિયમિત રીતે ફિઝિકલ ફિટનેસ, સવાર-સાંજ પ્રેક્ટિસ તેમજ અભ્યાસમાં પણ ધ્યાન આપે છે. સપ્ટેમ્બરમાં ફિલિપાઈન્સમાં તેમજ તેના પરિણામ બાદ ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં રમવા જશે. ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટ, યુએસ ઓપન ,ફ્રેન્ચ ઓપન અને વિમ્બલડન ટુર્નામેન્ટ આમ ચારેય સ્પર્ધા જીતે ત્યારે ગ્રાન્ડ સ્લામની સિદ્ધિ મળે છે. જેન્સી કાનાબાર ભારતની ગ્રાન્ડ સ્લામ વિજેતા બને તેવી શુભકામનાઓ.
વિમ્બલડનના અનુભવમાંથી અનેક પાઠ શીખવા મળ્યા
વિમ્બલડન સ્પર્ધામાં રમવાના અનુભવ વિશે જેન્સીએ જણાવ્યું કે મારા માટે આ સ્પર્ધા રમત અને જીવનના પાઠ શીખવનાર બની છે. વિમ્બલડનની દુનિયા અલગ જ છે. જે સિસ્ટમ અને ડિસિપ્લિનથી કામ થાય છે તે ખરેખર જોવા જેવું છે. ખૂબ જ મોટા અને સફળ પ્લેયરને નજીકથી રમતાં, જીમ કરતાં જોયા તેમના ડાયટ પ્લાન વિષે જાણ્યું ત્યારે થયું કે જો થોડું ધ્યાન રાખીએ તો અહીં સુધી પહોંચવું અઘરું નથી.કાર્લોસ અલ્કારાઝ સહિતના અનેક ખેલાડીને નજીકથી રમતા જોયા. પૈસા અને પ્રસિદ્ધિમાં ટોચ ઉપર પહોંચેલા પ્લેયર પણ ખૂબ જ પોલાઇટ હોય છે, ડિસિપ્લિનમાં રહેતા હોય છે.આ બધું જીવનમાં ઘણું શીખવી જાય છે.
રમત માટે ખર્ચ જાતે ભોગવે છે છતાં દેશ માટે કોઈ નબળી વાત નહીં
ટેનિસ રમત ખર્ચાળ ગણી શકાય. ટેનિસ રમતના ખર્ચ વિશે જેન્સીના પિતા દીપકભાઈએ જણાવ્યું કે કોઈપણ વ્યક્તિ આ રમત પસંદ કરે એટલે મહિનાનો લાખથી સવા લાખ ખર્ચ ગણી લેવાનો. 30,000₹ ના રેકેટ, 1200ની જાળી જે મહિનામાં ચાર પાંચ વખત બદલવી પડે, રમતમાં વપરાતા બોલ ખાસ હોય છે જેનો મહિનાનો ખર્ચ 8000₹ જેટલો ઉપરાંત મેદાનનું ભાડું, કોર્ટ બનાવવાનો ખર્ચ તેમજ જુદી જુદી ટૂર્નામેન્ટમાં જવા આવવાનો ખર્ચ વગેરે અનેક ખર્ચની તૈયારી રાખવી પડે છે. આ વખતે ગ્રાસ કોર્ટમાં રમવાના ખાસ શૂઝ અમેરિકાથી લીધા જે 19000₹ના આવ્યા હતા. બીજા દેશ માટે રમતમાં સ્મૂધ વાતાવરણ છે, કપડાં, શૂઝ સહિતના ઘણાં ખર્ચ સરકાર ભોગવે છે અહીં એવી કોઈ યોજના નથી. આમ છતાં આપણો દેશ આપણી મા છે તેના માટે કોઈ નબળી વાત કરવી યોગ્ય નથી. આપણને બધા જ સંજોગોનો ખ્યાલ છે અને છતાં આપણે આપણા બાળકને રમતમાં મૂક્યું છે તો એ જ સંજોગોમાં બાળકને આગળ વધારવાની જવાબદારી આપણી છે.
Written By: Bhavna Doshi
