સિરાજ-બુમરાહ છવાયા, પ્રથમ ટેસ્ટમાં વિન્ડિઝ 162 રનમાં ઓલ આઉટ
સિરાજે ચાર, બુમરાહે ત્રણ, કુલદીપ યાદવે બે અને સુંદરે એક વિકેટ ઝડપી, તેજનારીરનો વિન્ડિઝ ઇલેવનમાં સમાવેશ
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ આજે (2 ઓક્ટોબર) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે શરૂૂ થઈ છે. વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. વિન્ડીઝની ટીમ ભારત સામે પહેલા દિવસે ટી ટાઇમ સુધી પણ ટકી શકી ન હતી. સિરાજ અને બુમરા છવાઈ જતાં વેસ્ટઇન્ડીઝની ટીમ 44.1 ઓવરમાં ફક્ત 162 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. સિરાજે 4 અને બુમરાએ 3 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત કુલદીપ યાદવે બે વિકેટ અને વોશિંગ્ટન સુંદરે એક વિકેટ ઝડપી હતી.
આ પહેલાં લંચના સમય સુધીમા વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 90 રન પર પહોંચી ગયો હતો. લંચ સુધીમાં વિન્ડીઝની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. સિરાજે ત્રણ વિકેટ લીધી હતી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC ) ની દ્રષ્ટિએ આ મેચ મહત્વપૂર્ણ છે. બુમરાહે આ દરમિયાન ઘરઆંગણે 50 વિકેટ ઝડપી હતી.
વેસ્ટ ઈન્ડિઝની શરૂૂઆત પહેલી ઇનિંગમાં ખરાબ રહી હતી. તેમને ફક્ત 12 રનમાં પહેલો ઝટકો લાગ્યો હતો. તેજનારાયણ ચંદ્રપોલ (0 રન) ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજની બોલિંગમાં વિકેટકીપર ધ્રુવ જુરેલ દ્વારા કેચ આઉટ થયા હતા. ત્યારબાદ જસપ્રીત બુમરાહ ઓપનર જોન કેમ્પબેલ (8 રન) ને આઉટ કર્યા હતા. ત્યારબાદ સિરાજ ત્રાટક્યો હતો અને વધુ બે વિકેટ લીધી હતી. લંચ પહેલા, કુલદીપ યાદવે વેસ્ટ ઈન્ડિઝને તેમનો પાંચમો ઝટકો આપ્યો, શાઈ હોપને આઉટ કર્યો.
આ મેચ માટે કુલદીપ યાદવનો ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કુલદીપને ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન પાંચેય મેચ માટે પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. પ્રખ્યાત કૃષ્ણ, દેવદત્ત પડિકલ, એન. જગદીસન અને અક્ષર પટેલને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યા નથી. દરમિયાન, ભૂતપૂર્વ ક્રિકેટર શિવનારાયણ ચંદ્રપોલના પુત્ર તેજનારીનને વેસ્ટ ઇન્ડીઝની પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે.
નવો ટેસ્ટ કિંગ મોહમ્મદ સિરાજ, મિશેલ સ્ટાર્કને પાછળ છોડયો
ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર મોહમ્મદ સિરાજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ચાલી રહેલી પ્રથમ ટેસ્ટના પહેલા જ દિવસે એક મોટો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. પોતાના ધારદાર પ્રદર્શનના આધારે સિરાજ આ વર્ષની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC ) મા રમી રહેલી ટીમોમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો છે. તેણે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્ક ને પાછળ છોડી દીધો છે. સિરાજે ચાર વિકેટ ઝડપી હતી વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે મોહમ્મદ સિરાજ અને ભારતીય બોલરોએ ખોટો સાબિત કર્યો. સિરાજે પહેલા સત્રમાં જ 3 વિકેટ ઝડપીને વેસ્ટ ઈન્ડિઝની ટોચની બેટિંગ લાઇન-અપને તોડી નાખી હતી.