અમદાવાદના ડેન્ટલ સર્જનને સર રવિન્દ્ર જાડેજાએ આપી જર્સીની ભેટ
અમદાવાદના ડેન્ટલ સર્જન અને ક્રિકેટ પ્રેમી ડો. બ્રિજેશ પટેલને ICCના નંબર 1 ટેસ્ટ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા તરફથી એક ખાસ ભેટ મળી હતી. તાજેતરમાં ઇંગ્લેન્ડમાં પૂરી થયેલી ટેસ્ટ સિરીઝ દરમિયાન જાડેજાએ જે જર્સી પહેરી હતી તે 8 નંબરની જર્સી તેને ભેટ આપી હતી.
જામનગરના વતની જાડેજા ઇંગ્લેન્ડ પ્રવાસથી પરત ફર્યા બાદ દાંતની સારવાર માટે ડો. પટેલ પાસે આવ્યા હતા. આભારવશ થઈને તેમણે પોતાની મેચ દરમિયાન પહેરેલી જર્સી ભેટ આપી, જે ડોક્ટર માટે એક યાદગાર સંભારણું બની ગઈ હતી .આ જર્સી માત્ર એક કપડા કરતાં ઘણું વધારે મહત્ત્વ ધરાવે છે. મે 2025માં, જાડેજાએ ICCની ટેસ્ટ ઓલરાઉન્ડર રેન્કિંગમાં સતત 1,151 દિવસ સુધી નંબર 1 સ્થાન જાળવી રાખીને ક્રિકેટના ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે કોતરાવ્યું છે જે રમતગમતના ઇતિહાસમાં સૌથી લાંબો સમયગાળો છે.
તેમણે જેક્સ કેલિસ, કપિલ દેવ અને ઇમરાન ખાન જેવા મહાન ખેલાડીઓના રેકોર્ડને પણ પાછળ છોડી દીધા છે. ઇંગ્લેન્ડમાં તેમના તાજેતરના પ્રદર્શને તેમની વિરાસતમાં વધારો કર્યો. ડો. પટેલે જણાવ્યું, આ માત્ર એક જર્સી નથી, પરંતુ તેની ખુશી અને સ્વીકૃતિ મારા માટે દુનિયા સમાન છે. આ શર્ટ તેના જુસ્સા અને અદ્ભુત સિરીઝની યાદોનું પ્રતિનિધિત્વ કરે છે. આ મારા માટે સૌથી કિંમતી ક્ષણ છે. ઉલ્લેખનીય છે કે જાડેજા પર કેટલીક ડેન્ટલ સારવાર કરનાર ડો. પટેલ ગુજરાત રાજ્ય ડેન્ટલ કાઉન્સિલના પ્રમુખ પણ છે. સિંધુ ભવન પરના ડો. પટેલના નવા ક્લિનિકનું ઉદ્ઘાટન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું. મુખ્યપ્રધાનના પત્ની હેતલ પટેલે પણ તેમની સારવાર બાદ તેમને શ્રી સીમંધર સ્વામીની મૂર્તિ ભેટ આપી હતી.