શુભમન ગિલ લકી, ટીમ ઇન્ડિયાએ ઝિમ્બાબ્વે સામે 4-1થી સિરીઝ જીતી
વર્લ્ડ કપ બાદ બીજી સફળતા, મુકેશ કુમારે 4 વિકેટ ઝડપી
શુભમન ગિલ ટીમ ઈન્ડીયા માટે લકી સાબિત થયો છે. શુભમન ગિલની આગેવાનીમાં ટીમ ઈન્ડીયા વિદેશમાં જઈને પહેલી સીરિઝ જીતી લાવ્યું છે. ટીમ ઈન્ડીયાએ ઝિમ્બાબ્વેની ધરતી પર તેને હરાવીને ટી 20 સીરિઝ કબજે કરી છે. રવિવારે સીરિઝની છેલ્લી 5મી મેચ 42 રને જીતી લઈને ભારતે 4-1થી સીરિઝ જીતી લીધી છે.
પાંચ મેચોની ટી 20 સીરિઝમાં ભારતની 4માં અને 1માં ઝિમ્બાબ્વેની જીત થઈ છે. શુભમન ગિલની આગેવાનીમાં આ સીરિઝ જીતાઈ હોવાથી બીસીસીઆઈએ તેને ટી 20 કેપ્ટન તરીકે જાળવી રાખી શકે છે. કેપ્ટનની ઉપરાંત શુભમન ગિલનું પર્ફોમન્સ પણ સારુ રહ્યું હતું. વર્લ્ડ કપ બાદ ભારતની આ બીજી સફળતાં છે.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 6 વિકેટ ગુમાવીને 167 રન બનાવ્યા હતા. એક સમયે ટીમે માત્ર 40 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી સંજુ સેમસન અને રિયાન પરાગે 56 બોલમાં 65 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી અને ટીમને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢી. સંજુએ 45 બોલમાં 58 રનની ઇનિંગ રમી હતી, જેમાં તેણે 4 સિક્સ અને 1 ફોર ફટકારી હતી. જ્યારે રેયાને 22 રન બનાવ્યા હતા. અંતમાં શિવમ દુબેએ 12 બોલમાં 22 રન બનાવ્યા હતા. બીજી તરફ ઝિમ્બાબ્વે તરફથી બ્લેસિંગ મુઝારાબાનીએ શાનદાર બોલિંગ કરી અને 2 વિકેટ લીધી. કેપ્ટન સિકંદર રઝા, રિચર્ડ નગારવા અને બ્રેન્ડન માવુતાને 1-1 સફળતા મળી હતી. ભારતીય ટીમ તરફથી એકદમ સચોટ બોલિંગ હતી. ફાસ્ટ બોલર મુકેશ કુમારે બોલિંગ કરીને તબાહી મચાવી હતી અને 22 રનમાં સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. તેના સિવાય શિવમ દુબેને 2 સફળતા મળી. તુષાર દેશપાંડે, અભિષેક શર્મા અને વોશિંગ્ટન સુંદરે 1-1 વિકેટ લીધી હતી.