શુભમન ગિલને હોસ્પિટલમાંથી રજા મળી, બીજી ટેસ્ટ રમવા સામે પ્રશ્ર્નાર્થ
72 કલાકના આરામ બાદ ફરી ટેસ્ટ થશે, 22મીએ બીજી ટેસ્ટ
દક્ષિણ આફ્રિકા સામેની પહેલી ટેસ્ટમાં ગરદનની ઈજા બાદ સારવાર લઈ રહેલા ભારતીય ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલને વુડલેન્ડ્સ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ગિલને બીજા દિવસે ઈજા થઈ હતી અને તેથી તે બીજી ઇનિંગમાં રમી શક્યો ન હતો.
ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB) ના પ્રમુખ સૌરવ ગાંગુલીએ રવિવારે હોસ્પિટલમાં ગિલની મુલાકાત લીધી. રમતના બીજા દિવસે ગિલને ઈજા થઈ હતી અને ત્રીજા દિવસની શરૂૂઆત પહેલા જ તે મેચમાંથી બહાર થઈ ગયો હતો. તે બીજી ઇનિંગમાં પણ બેટિંગ કરવામાં નિષ્ફળ ગયો હતો, કારણ કે ભારત 93 રનમાં આઉટ થઈ ગયું હતું. 22 નવેમ્બરથી ગુવાહાટીમાં શરૂૂ થનારી બીજી ટેસ્ટમાં ગિલની ભાગીદારી અનિશ્ચિત છે. ટીમ મંગળવારે ગુવાહાટી જવા રવાના થશે.
BCCIના મેડિકલ પેનલના વડા અને કોકિલાબેન ધીરુભાઈ અંબાણી સેન્ટર ઓફ સ્પોર્ટ્સ મેડિસિનના વડા ડો. દિનશા પારડીવાલાએ ટેસ્ટ રિપોર્ટની વિગતવાર સમીક્ષા કરી, જેમાં પુષ્ટિ મળી કે શુભમન ગિલને ઇન્ટર-સ્પાઇનસ લિગામેન્ટમાં ઈજા થઈ છે, જે ગરદનના હાડકાં વચ્ચે સ્થિત લિગામેન્ટ્સને અસર કરે છે.
ડોક્ટરોએ ગિલને 48 થી 72 કલાક આરામ કરવાની, દવા લેવાની અને શારીરિક ગતિવિધિઓમાં સાવધાની રાખવાની સલાહ આપી છે. ગિલ ટીમ હોટલમાં મેડિકલ ટીમની નજીકની દેખરેખ હેઠળ આરામ કરશે. લગભગ 48 કલાકમાં તેમનો ફરીથી ટેસ્ટ કરવામાં આવશે, ત્યારબાદ રમવા માટે તેમની ફિટનેસ અંગે વધુ અપડેટ્સ જારી કરવામાં આવશે.