શ્રેયસ અય્યરને હોસ્પિટલમાંથી રજા, હજુ સિડનીમાં જ રહેશે
ભારતીય ટીમના સ્ટાર ખેલાડી શ્રેયસ અય્યર ઑસ્ટ્રેલિયા સામેની ત્રીજી વન-ડે મેચ દરમિયાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને ત્યારબાદ તેમને મેદાનમાંથી બહાર જવું પડ્યું હતું. પાછળથી આંતરિક રક્તસ્રાવ પણ જાણવા મળ્યો. આ પછી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે ક્રિકેટ ચાહકો માટે એક મોટા ખુશખબર સામે આવ્યા છે. અય્યરને હવે હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે.ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI ) ની પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું છે કે શ્રેયસ અય્યરની ઇજાની ઓળખ કરીને તેમનું એક નાનું ઓપરેશન કરવામાં આવ્યું, જેના પછી રક્તસ્રાવ બંધ થઈ ગયો અને તેમની યોગ્ય તબીબી સારવાર કરવામાં આવી છે.
હવે તેમની તબિયત સ્થિર છે અને તેઓ સારી રીતે સ્વસ્થ થઈ રહ્યા છે. BCCI તરફથી જણાવવામાં આવ્યું છે કે તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. BCCIએ સિડનીમાં ડોક્ટર કૌરોશ હાઘીગી અને તેમની ટીમ તેમજ ભારતમાં ડોક્ટર દિનશો પારદીવાલાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે, જેમણે શ્રેયસ અય્યરની સર્વશ્રેષ્ઠ સારવાર સુનિશ્ચિત કરી. અય્યર હજુ આગળની તપાસ માટે સિડનીમાં જ રહેશે. મુસાફરી કરવા માટે ફિટ થયા પછી તે ભારત પરત ફરશે.