9 છગ્ગા, 5 ચોગ્ગા સાથે 62 બોલમાં શિવમ દુબેની તોફાની સદી
એશિયા કપ ફાઇનલમાં ટીમ ઇન્ડિયાને વિજય અપાવનાર શિવમ દુબેએ ફરી એકવાર પોતાનું કૌશલ્ય બતાવ્યું છે. પ્રેક્ટિસ મેચમાં મુંબઈ તરફથી રમતા તેણે મહારાષ્ટ્રના બોલરોને હંફાવી દીધા હતા. લેફ્ટ હેન્ડેડ બેટ્સમેને માત્ર 62 બોલમાં 100 રન બનાવીને પોતાની સદી પૂરી કરી. નોંધપાત્ર વાત એ છે કે, દુબેએ પોતાની ઇનિંગમાં નવ છગ્ગા અને પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા.
મહારાષ્ટ્ર અને મુંબઈ વચ્ચેની મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી, પરંતુ અનિર્ણિત મેચમાં દુબેની પ્રભાવશાળી હિટિંગ સ્પષ્ટ દેખાઈ હતી.
પુણેમાં રમાઈ રહેલી મેચમાં ચોથા નંબર પર બેટિંગ કરતા શિવમ દુબેએ આ સદી ફટકારી હતી. મુંબઈના ઓપનર અંગક્રિશ રઘુવંશી 27 રન બનાવીને અને આકાશ આનંદ માત્ર 5 રન બનાવીને આઉટ થયા હતા. હાર્દિક તામોરે 24 રન બનાવીને રિટાયર્ડ હર્ટ થયો હતો, પરંતુ શિવમ દુબેએ આક્રમક બેટિંગ કરતા લગભગ 160ની સ્ટ્રાઈક રેટથી ધમાકેદાર સદી ફટકારી હતી.
પોતાની ઇનિંગ દરમિયાન, દુબેએ લેફ્ટ આર્મ સ્પિનર હિતેશ વાલુંજને સૌથી વધુ ધોયો હતો, તેની ઓવરમાં દુબેએ સતત ચાર છગ્ગા ફટકાર્યા હતા. પૃથ્વી શોએ પણ આ મેચમાં શાનદાર સદી ફટકારી. મહારાષ્ટ્ર તરફથી રમતા, શોએ પ્રથમ ઇનિંગમાં 181 રન બનાવ્યા. તેની સાથે અર્શીન કુલકર્ણીએ પણ શાનદાર સદી ફટકારી. બંનેએ પ્રથમ વિકેટ માટે 300થી વધુ રનની ભાગીદારી કરી. જોકે, બીજી ઇનિંગમાં બંને બેટ્સમેન નિષ્ફળ ગયા. પૃથ્વી શોએ 22 રન બનાવ્યા, જ્યારે કુલકર્ણી ફક્ત એક જ રન બનાવી શક્યો.