શાર્દુલ ઠાકુર ફરી મુંબઈ ઇન્ડિયન્સ વતી રમશે
IPL 2026ની હરાજી પહેલાં લખનૌ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે એક મહત્વપૂર્ણ ટ્રેડ ડીલ જાહેર કરવામાં આવી છે. ભારતીય અનુભવી ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર હવે મુંબઈ ઇન્ડિયન્સની ટીમનો ભાગ બન્યો છે. ગયા સીઝનમાં તે લખનૌ સુપર જાયન્ટ્સ માટે રમ્યો હતો.
IPL 2026ની હરાજી પહેલાં શરૂૂ થયેલી ટ્રેડ વિન્ડોમાં આ પ્રથમ સત્તાવાર ટ્રેડ ડીલ છે. બંને ટીમો વચ્ચે ખેલાડીઓની આપ-લે નહિ થઈ, પરંતુ મુંબઈ ઇન્ડિયન્સે શાર્દુલ ઠાકુરને રોકડ સોદામાં ખરીદ્યો છે. અહેવાલો અનુસાર, મુંબઈ ઇન્ડિયન્સે લખનૌ સુપર જાયન્ટ્સને ₹2 કરોડ (આશરે 1.5 મિલિયન) ચૂકવીને શાર્દુલ ઠાકુરને પોતાના દળમાં સામેલ કર્યો છે. નોંધનીય છે કે લખનૌ સુપર જાયન્ટ્સે ગયા વર્ષે પણ તેને રિપ્લેસમેન્ટ ખેલાડી તરીકે એટલી જ રકમમાં મેળવ્યો હતો.
IPL ની સત્તાવાર પ્રેસ રિલીઝ મુજબ, બંને ફ્રેન્ચાઇઝી વચ્ચે થયેલા કરાર બાદ, લખનૌ સુપર જાયન્ટ્સનો ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર હવે મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમવા તૈયાર છે.
લિગની 18મી સીઝનમાં શાર્દુલ ઠાકુરે લખનૌ માટે 10 મેચ રમી હતી. તે સમયે તેને ₹2 કરોડના કરારમાં સાઇન કરવામાં આવ્યો હતો. હવે મુંબઈ ઇન્ડિયન્સે તેને એ જ રકમમાં ફરીથી હસ્તગત કર્યો છે.