શરમજનક રેકોર્ડ, ટીમ ઇન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે માત્ર 93 રનમાં સમેટાઇ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ ફક્ત ત્રણ દિવસ પૂર્ણ થઈ ગઈ છે. દક્ષિણ આફ્રિકાની ટીમે ભારતને 30 રનથી હરાવ્યું છે. ભારતીય બેટ્સમેન 124 રનના નજીવા સ્કોરને ચેજ કરવામાં નિષ્ફળ ગયા. આ હારની સાથે ભારતના નામે એક શરમજનક રેકોર્ડ બન્યો છે. 124 રનના લક્ષ્યનો પીછો કરતા ભારતીય ટીમ ફક્ત 93 રનમાં જ આઉટ થઈ ગઈ. દક્ષિણ આફ્રિકાએ ભારતમાં 15 વર્ષમાં પહેલી ટેસ્ટ જીત નોંધાવીને ઇતિહાસ બદલી નાખ્યો છે.
દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ 55 રનની ઇનિંગ રમી અને બોશ સાથે 44 રનની મહત્વપૂર્ણ પાર્ટનરશિપે દક્ષિણ આફ્રિકાની જીતનો પાયો નાખ્યો. જવાબમાં ભારતનો વધુ પડતો પ્રયોગ ઉલટો પડ્યો.
ભારતની પ્લેઇંગ ઇલેવનમાં છ લેફ્ટી બેટ્સમેન જોવા મળ્યા હતા. ઓફ સ્પિનર સાઈમન હાર્મરે ભારતને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું. હાર્મરે 21 રન આપીને 4 વિકેટ લીધી. આ આફ્રિકન ખેલાડીઓએ મેચનું પાસુ ફેરવી નાખ્યું અને ગંભીરના કોચિંગ પર ડાઘ લગાવી દીધો છે. ટીમ ઈન્ડિયા ભારતમાં રમતી વખતે સૌથી નાના લક્ષ્યને ચેજ કરતા હારી ગઈ છે. વર્ષ 1997માં બ્રિજટાઉનમાં ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામે 120 રનનો પીછો કરતી વખતે હારી ગઈ હતી. હવે, પહેલી વાર ઘરઆંગણે ટેસ્ટમાં તેઓ 124 રનનો પીછો કરતી વખતે ફેલ થઈ છે. ગયા વર્ષે ન્યુઝીલેન્ડ સામે 147 રનનો પીછો કરતી વખતે વાનખેડેમાં ભારતીય ટીમ ફેલ ગઈ હતી. આ રેકોર્ડ પણ ગંભીરની કોચિંગ હેઠળ બન્યો હતો. 2015માં ગાલેમાં શ્રીલંકા સામે ભારતથી 176 રનનો ચેજ થયો ન હતો. જ્યારે 2025માં ભારતીય ટીમ લોર્ડ્સમાં 193 રનનો પીછો કરતી વખતે હારી ગઈ હતી.