ICC ચેમ્પિયન ટ્રોફી રમવા ટીમ ઇન્ડિયાને પાકિસ્તાન મોકલો
પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટર બાસિત અલીની PMમોદીને અપીલ
આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 રમવા માટે ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાન જશે કે નહીં? સમગ્ર ક્રિકેટ જગતને આ પ્રશ્નનો જવાબ જાણવામાં રસ છે. આઈસીસીના નવા અધ્યક્ષ તરીકે જય શાહની નિયુક્તિ બાદ ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને તમામ સમીકરણો બદલાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. હવે પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટર બાસિત અલીએ ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને ભારતના વડાપ્રધાનને ખાસ અપીલ કરી છે.
પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર બાસિત અલી પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. હવે તેણે પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે, હવે સમગ્ર નિર્ણય ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખભા પર આવી ગયો છે. જો તે હા કહેશે તો ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી રમવા પાકિસ્તાન આવી શકે છે, આવું નહીં થયું તો નિર્ણય આઇસીસીની પાસે જતો રહેશે, અને પછી જય શાહ માટે નિર્ણય લેવો બહુજ મુશ્કેલ બની જશે.
ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જશે કે નહીં તે અંગે હજુ સુધી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી. જો કેટલાક અહેવાલોનું માનીએ તો સુરક્ષાના કારણોસર ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન રમવા નહીં જાય. હાઈબ્રિડ મોડલની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે, જેના હેઠળ ભારતની મેચ પાકિસ્તાનને બદલે કોઈ અન્ય દેશમાં યોજવામાં આવી શકે છે. પરંતુ પીસીબીએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે કે ટૂર્નામેન્ટ કોઈપણ સંજોગોમાં પાકિસ્તાનમાં યોજવામાં આવશે.