ઈરાની કપમાં સરફરાઝ ખાનની વિસ્ફોટક 221 રનની ઈનિંગ
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી બે ટેસ્ટ મેચની સિરીઝમાં એક ખેલાડી બંને મેચમાં ટીમનો સભ્ય રહ્યો, પરંતુ તેને રમવાનો મોકો મળ્યો નહીં. ત્યારે હવે આ ખેલાડીને તક મળતા જ બેવડી સદી ફટકારી દીધી છે. આ ખેલાડી બીજો કોઈ નહીં, સરફરાઝ ખાન છે. સરફરાઝ ખાને ઈરાની કપમાં 221 રનની તોફાની ઇનિંગ રમી છે. તેની સાથે જ તેણે ઈરાની કપમાં મુંબઈની ટીમ તરફથી સૌથી મોટો સ્કોર બનાવવાના મામલે 52 રનનો રેકોર્ડ તોડ્યો છે.
સરફરાઝ ખાનને બાંગ્લાદેશ સામે ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.
જ્યારે કાનપુર ટેસ્ટની પ્લેઇંગ ઇલેવનમાં સરફરાઝને જગ્યા મળી નહીં તો તેને ઈરાની કપમાં રમવાની છૂટ આપવામાં આવી. ઈરાની કપ રણજી ચેમ્પિયન મુંબઈ અને રેસ્ટ ઓફ ઈન્ડિયા વચ્ચે રમાઈ રહી છે. મુંબઈએ મેચમાં પહેલા બેટિંગ કરતા 9 વિકેટના નુકસાને 536 રન બનાવ્યાં છે.મુંબઈ અને રેસ્ટ ઓફ ઈન્ડિયા વચ્ચે ઈરાની કપની મેચ મંગળવારે શરૂૂ થઈ હતી. મુંબઈએ પહેલા દિવસે ચાર વિકેટના નુકસાને 237 રન બનાવ્યાં હતા. બીજા દિવસે કેપ્ટન અજિંક્ય રહાણેએ 86 અને સરફરાઝ ખાને 54 રનથી ઇનિંગ આગળ વધારી, રહાણે થોડીવારમાં આઉટ થઈ ગયો. તે ત્રણ રનેથી પોતાની સદી ચૂક્યો હતો.
પરંતુ સરફરાઝ ખાન આ તક ચૂક્યો નહીં. તેણે તોફાની ઇનિંગ રમી બેવડી સદી ઠોકી દીધી.સરફરાઝ ખાને આ સાથે જ ઈરાની કપમાં મુંબઈ તરફથી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. તેણે રામનાથ પાર્કરના બેસ્ટ સ્કોરનો રેકોર્ડ તોડ્યો છે. રામનાથ પાર્કરે 1972માં રેસ્ટ ઓફ ઈન્ડિયા સામે 195 રનની ઇનિંગ રમી હતી. સરફરાજ પોતાની રેકોર્ડતોડ ઇનિંગમાં 276 બોલમાં 221 રન બનાવી અણનમ રહ્યો છે. તેણે આ ઇનિંગમાં 25 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતાં.