સંજૂ સેમસન CSK અને રવિન્દ્ર જાડેજા RRમાંથી રમશે
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની મીની હરાજી પહેલા ટ્રેડ લિસ્ટ સામે આવી ગઈ છે. ફ્રેન્ચાઇઝીઓ 15 નવેમ્બર 2025ના રોજ તેમની રીટેન્શન અને રીલીઝ યાદી BCCIને સોંપે તે પહેલા જ કુલ 10 ખેલાડીઓને ટ્રેડ કરવામાં આવ્યા છે. આ ટ્રેડ વિન્ડોમાં સૌથી વધુ ચર્ચામાં રહેલી અને મોટી ડીલ રવીન્દ્ર જાડેજા અને સંજુ સેમસનની રહી છે.
રાજસ્થાન રોયલ્સ (RR)ના કેપ્ટન અને ભારતીય વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન હવે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે રમશે. સેમસન તેમની હાલની 18 કરોડ રૂૂપિયાની લીગ ફી જાળવી રાખશે. નોંધનીય છે કે CSK તેમના IPL કરિયરની માત્ર ત્રીજી ફ્રેન્ચાઇઝી હશે. બીજી તરફ સિનિયર ઓલરાઉન્ડર અને CSKના પૂર્વ કેપ્ટન રવિન્દ્ર જાડેજા હવે રાજસ્થાન રોયલ્સ (RR) માટે રમતા જોવા મળશે.
જાડેજા CSK માટે 12 સિઝન રમી ચૂક્યા છે. ટ્રેડ એગ્રીમેન્ટ મુજબ તેમની લીગ ફી 18 કરોડ રૂૂપિયાથી ઘટાડીને 14 કરોડ રૂૂપિયા કરવામાં આવી છે. આ સિવાય ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર સૈમ કરનને પણ તેમની હાલની 2.4 કરોડ રૂૂપિયાની ફી પર CSK થી RR માં ટ્રેડ કરવામાં આવ્યા છે.
ટ્રેડ વિન્ડોમાં મુંબઈ ઇન્ડિયન્સે (MI) ત્રણ ખેલાડીઓને ટ્રેડ કર્યા છે. લેગ સ્પિનર મયંક માર્કંડે કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) માંથી પોતાની પૂર્વ ફ્રેન્ચાઇઝી MI માં પરત ફર્યા છે. બોલિંગ ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને પણ MI દ્વારા 2 કરોડ રૂૂપિયામાં ટ્રેડ કરવામાં આવ્યા છે. વેસ્ટ ઇન્ડીઝના બેટ્સમેન શેરફેન રદરફોર્ડ પણ MIમાં પાછા ફર્યા છે.
અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમી સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) માંથી લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) માં જોડાયા છે. નીતિશ રાણા રાજસ્થાન રોયલ્સમાંથી દિલ્હી કેપિટલ્સ (DC) માં ટ્રેડ થયા છે, જ્યારે ડોનોવન ફરેરા DC માંથી RR માં 1 કરોડ રૂૂપિયાની ફી પર પરત ફર્યા છે. ઓલરાઉન્ડર અર્જુન તેંડુલકર પણ MI થી LSG માં ગયા છે.