બોક્સિગં ડે મેચમાં સેમ કોન્સ્ટાસની કમાલ, ડેબ્યૂ મેચમાં ફિફ્ટી ફટકારી
ઓસ્ટ્રલિયા માટે અડધી સદી ફટકારનાર બીજો સૌથી યુવા ખેલાડી બન્યો, 6 વિકેટ 311 રન સાથે પ્રથમ દિવસ પૂર્ણ, બુમરાહની ત્રણ વિકેટ
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની ચોથી મેચમાં ઓસ્ટ્રેલિયાના પ્લેઇંગ 11માં સામેલ 19 વર્ષના છોકરાએ ભારત સામે ટેસ્ટ ડેબ્યૂ કરીને ઘણી હેડલાઇન્સ બનાવી છે. તે ખેલાડી બીજું કોઈ નહીં પણ સેમ કોન્સ્ટાસ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચોની ટેસ્ટ સીરીઝની ચોથી ટેસ્ટ મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે.
આ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગ્સમાં કોન્સ્ટન્સ પોતાની શાનદાર બેટિંગથી આખી દુનિયામાં ચર્ચાનો વિષય બન્યો હતો. તેણે પોતાની ડેબ્યૂ મેચમાં ઘણા રેકોર્ડ પણ બનાવ્યા છે.સેમ કોન્સ્ટાસે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી બોક્સિંગ ડે ટેસ્ટમાં પોતાના શાનદાર પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા હતા. 19 વર્ષ અને 85 દિવસના કોન્સ્ટન્સે ભારત સામેની ડેબ્યૂ મેચમાં 65 બોલમાં 60 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. આ પ્રદર્શન સાથે તે ઓસ્ટ્રેલિયા માટે ટેસ્ટ ક્રિકેટમાં અડધી સદી ફટકારનાર બીજો સૌથી યુવા ખેલાડી બન્યો.
આ યાદીમાં પહેલો નંબર ઈયાન ક્રેગનો છે, જેણે 1953માં 17 વર્ષ અને 240 દિવસની ઉંમરમાં અડધી સદી ફટકારી હતી. ત્રીજું સ્થાન નીલ હાર્વેનું છે, જેણે 19 વર્ષ અને 121 દિવસની ઉંમરે અડધી સદી ફટકારી હતી અને ચોથું સ્થાન આર્ચી જેક્સનનું છે, જેણે 19 વર્ષ અને 150 દિવસની ઉંમરમાં ઈંગ્લેન્ડ સામે અડધી સદી ફટકારી હતી.
સેમ કોન્સ્ટાસે ભારત સામે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેણે પોતાની ડેબ્યૂ ટેસ્ટ મેચમાં અડધી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. કોન્સ્ટાસ ભારત સામે ટેસ્ટ ડેબ્યૂમાં અડધી સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે.
કોન્સ્ટસ 19 વર્ષ અને 85 દિવસની ઉંમરમાં આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ક્રિકેટર છે. આ પહેલા ભારત સામેની ડેબ્યૂ મેચમાં આટલી નાની ઉંમરમાં કોઈ ખેલાડીએ અડધી સદી ફટકારી ન હતી.
પાકિસ્તાનનો મુશ્તાક મોહમ્મદ ભારત સામે અડધી સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી છે. તેણે 1960-61 ટેસ્ટમાં 17 વર્ષ અને 38 દિવસની ઉંમરમાં આ સિદ્ધિ મેળવી હતી. તેમના પછી, 1952-53 ટેસ્ટમાં, પાકિસ્તાનના હનીફ મોહમ્મદે 17 વર્ષ અને 300 દિવસની ઉંમરમાં ભારત વિરુદ્ધ સદી ફટકારી હતી. જો કે, બંને ખેલાડીઓ ભારત સામેની તેમની ડેબ્યૂ મેચમાં આ સિદ્ધિઓ હાંસલ કરી શક્યા ન હતા.
પ્રથમ દિવસ સમાપ્ત
મેલબોર્નમાં રમાઈ રહેલી બોક્સિંગ ડે ટેસ્ટનો પ્રથમ દિવસ પૂરો થઈ ગયો છે. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 6 વિકેટે 311 રન છે. સ્ટમ્પના સમયે સ્ટીવ સ્મિથ 111 બોલમાં 68 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. તેના બેટમાંથી 5 ચોગ્ગા અને એક છગ્ગો આવ્યો હતો. પેટ કમિન્સ આઠ રન બનાવીને અણનમ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી સેમ કોન્સ્ટાસે 60, ઉસ્માન ખ્વાજા 57 અને માર્નસ લાબુશેને 72 અડધી સદી ફટકારી હતી. ભારત તરફથી જસપ્રીત બુમરાહે ત્રણ વિકેટ ઝડપી હતી. આકાશદીપ, રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરને એક-એક વિકેટ મળી હતી.