રોહિત-વિરાટની નિવૃત્તિ ખટકે જરૂર પણ શૂન્યાવકાશ ક્યારેય રહેતો નથી
ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધનો મુદ્દો છવાયેલો છે તેમાં ભારતીય ક્રિકેટ ટીમના બે દિગ્ગજ ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગયા તેની બહુ નોંધ ના લેવાઈ. પહેલાં રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ થવાની જાહેરાત કરી ને તેના ચાર દિવસ પછી વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી છે. ભારતને 2024 ટી-20 વર્લ્ડ કપમાં જીત અપાવ્યા પછી વિરાટ કોહલી અને રોહિત શર્માએ ટી-20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી અને હવે ટેસ્ટ ક્રિકેટમાંથી પણ બંને સાથે નિવૃત્ત થયા છે. હવે બંને માત્ર વન ડે ક્રિકેટમાં રમશે.
રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને ધુરંધર મનાય છે પણ બંનેની નિવૃત્તિમાં આભ-જમીનનું અંતર છે. રોહિત અને વિરાટ લાંબા સમયથી ભારતીય ટેસ્ટ ટીમમાં છે પણ રોહિતને ફરજિયાત નિવૃત્તિની ફરજ પડાઈ છે જ્યારે વિરાટ કોહલી બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI)ની અનિચ્છા છતાં નિવૃત્ત થઈ ગયો છે. રોહિત શર્મા પહેલાં વિરાટ કોહલી ટેસ્ટ ટીમનો કેપ્ટન હતો. પછી સતત નિષ્ફળ જતાં રોહિત શર્માને કેપ્ટન બનાવાયેલો. રોહિત શર્મા પણ સતત નિષ્ફળ જવા માંડતાં રોહિત શર્માને જૂનમાં રમાનારી ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં કેપ્ટનપદેથી દૂર કરાશે એ નક્કી મનાતું હતું. રોહિત શર્માને કેપ્ટનપદે ના રખાય તો ટેસ્ટ ટીમમાં રહેવામાં રસ નહોતો તેથી તેણે નિવૃત્તિ જાહેર કરી દીધી. વિરાટ કોહલી અને રોહિત શર્મામાંથી ટેસ્ટ ક્રિકેટમાં વિરાટ કોહલીની કારકિર્દી વધારે પ્રભાવશાળી છે.વિરાટ કોહલીએ 123 ટેસ્ટ મેચ રમીને 30 સદી અને 31 અડધી સદી ફટકારી છે.
વિરાટે 7 બેવડી સદી ફટકારી છે અને તેની ટેસ્ટ ક્રિકેટમાં સરેરાશ 50 રનથી વધારેની છે જ્યારે રોહિત શર્માની એવરેજ 40 રનની આસપાસ છે. રોહિતે 67 ટેસ્ટમાં 40.57ની સરેરાશથી રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં 40ની આસપાસની સરેરાશ સારા બેટ્સમેનની ના કહેવાય. રોહિત અને વિરાટ મોટાં નામ હતાં પણ બંનેના જવાથી ટીમ ઈન્ડિયાને કઈ ખોટ પડવાની નથી એ નક્કી છે. રોહિત શર્મા તો છેલ્લી બે સિરીઝથી ટીમને સાવ માથે જ પડેલો હતો એ જોતાં એ નહીં હોય તો કોઈ યુવા ખેલાડીને તક મળશે અને ટીમનો દેખાવ પણ કદાચ સારો થઈ જશે. વાસ્તવમાં જીવનમાં ક્યારેય શૂન્યાવકાશ રહેતો નથી ગમે તેવા દિગ્ગજ ન હોય તો પણ જીવનચક્ર ચાલતુ રહે છે.