કેપ્ટનના રૂપમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ ફટકારવાનો રોહિત શર્માનો રેકોર્ડ
124 મેચમાં 234 સિક્સ ફટકારી
ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. શ્રીલંકા સામે રમતા રોહિતે એવો કીર્તિમાન બનાવ્યો છે, જેનો પીછો છોડવો હવે સરળ રહેશે નહીં. તે વિશ્વનો એવો પ્રથમ કેપ્ટન બની ગયો છે, જેણે કેપ્ટનના રૂપમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ ફટકારી છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેપ્ટન તરીકે રોહિત સૌથી વધુ સિક્સ ફટકારનાર બેટર બની ગયો છે. તેણે ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન ઇયોન મોર્ગનનો રેકોર્ડ તોડ્યો છે. રોહિતે શ્રીલંકા સામે પ્રથમ વનડેમાં ત્રણ સિક્સ ફટકારી આ રેકોર્ડ બનાવ્યો છે. રોહિતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેપ્ટન તરીકે 124 મેચ રમી છે. તેમાં તેના નામે 234 સિક્સ થઈ ગઈ છે. વાત મોર્ગનની કરીએ તો તેણે ઈંગ્લેન્ડ માટે 198 મેચમાં કમાન સંભાળતા 233 સિક્સ ફટકારી હતી.
રોહિતના કરિયરની વાત કરીએ તો તેણે ટેસ્ટ ક્રિકેટમાં 59 મેચ રમી કુલ 84 સિક્સ ફટકારી છે. તો ટી20 આંતરરાષ્ટ્રીયમાં હિટમેને 159 મુકાબલામાં 205 સિક્સ ફટકારી છે. વનડે મેચમાં રોહિત શર્માએ 262 મેચમાં 323 સિક્સ ફટકારી છે. આ સિક્સ તેની ખેલાડી તરીકે છે કેપ્ટન તરીકે નહીં. રોહિતે ટી20 ક્રિકેટને અલવિદા કહી દીધું છે, તે હવે માત્ર વનડે અને ટેસ્ટમાં રમતો જોવા મળશે.