રોહિત શર્મા 2027નો વર્લ્ડ કપ હાથમાં લીધા પછી જ નિવૃત્તિ લેશે
તેનામાં બધા ખેલાડીઓને સાથે લઇને ચાલવાનો આગવો ગુણ છે: હિટમેનના કોચ દિનેશ લાડ સુરતની મુલાકાતે
રવિવારે રાંચીમાં રમાયેલી પહેલી વન-ડેમાં ભારતે સાઉથ આફ્રિકાને રોમાંચક રીતે 17 રનથી હરાવ્યું હતું. આ મેચમાં રોહિત શર્માએ પાકિસ્તાની ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીનો 351 સિક્સરનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. તેણે વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો માઈલસ્ટોન પોતાના નામે કર્યો છે. રોહિત શર્માના કોચ દિનેશ લાડ સુરતની મુલાકાતે આવ્યા હતા.
સુરતની મુલાકાત દરમિયાન દિનેશ લાડએ મીડિયા સાથેની વાતચીતમાં રોહિત શર્માની ક્રિકેટ કારકિર્દીથી લઈને નિવૃત્તિ સુધીની દરેક બાબત વિશે વાતચીત કરી હતી. આ સાથે જ રોહિત શર્મા 2027નો વર્લ્ડ કપ હાથમાં લીધા પછી જ રિટાયર્ડ થશે એેમ પણ જણાવ્યું હતું.
રોહિત શર્માની ક્રિકેટિંગ કારકિર્દીને કેવી રીતે જુઓ છો? તેવો સવાલ પુછતા દિનેશ લાડે જણાવેલ કે, હા, ચોક્કસપણે મેં રોહિત શર્માને કોચિંગ આપ્યું છે, પરંતુ તેનામાં ટેલેન્ટ હતું એટલે રોહિત શર્મા બન્યો છે, નહીં કે મારા થકી તેને લઈને મારું માત્ર એક વિઝન હતું, જેમ કે મેં તેને જોયો હતો ત્યારે તે 12 વર્ષનો હતો અને મેં તેને એક ઓફ-સ્પિન બોલર તરીકે જોયો હતો, પણ જ્યારે મેં તેનામાં બેટિંગની ક્ષમતા જોઈ ત્યારે મેં તેને કહ્યું કે તું બેટિંગ પર વધુ ધ્યાન કેન્દ્રિત કર, કારણ કે નાનપણમાં જ તેની ટેક્નિક મને દેખાતી હતી. તો મેં તેને બેટિંગ પર વધુ ધ્યાન આપવા દીધું અને તેનામાં રહેલી ટેલેન્ટને કારણે તે જે મુકામ પર પહોંચ્યો છે એ તમને પણ ખબર છે.
જ્યાં સુધી તેની કેપ્ટનશિપની વાત છે, તો તે કેપ્ટનશિીપ તો ખૂબ જ સરસ કરે છે. તેનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે તે તેના પ્લેયર્સને સાથે લઈને ચાલે છે. તેને ખબર છે કે કયા ખેલાડી પાસેથી શું બહાર કાઢવું જોઈએ. તો ભલે કોઈ બોલર હોય, તો બોલરને કેવી રીતે પ્રોત્સાહિત કરવો કે તું જ મારો મુખ્ય બોલર છે, તું જ સારી વિકેટ લઈ શકે છે. તો આ રીતે તેણે શરૂૂઆતથી જ કર્યું છે. સ્કૂલ ક્રિકેટમાં પણ જ્યારે તે મારી સ્કૂલમાં લીડ કરતો હતો ત્યારે સમાનતા હતી, કારણ કે મેં તેને વધારે કહ્યું નહોતું, તે પોતે જ નિર્ણય લેતો હતો.
કોચ દિનેશ લાડએ સ્કૂલની મેચનું ઉદાહરણમાં કહ્યું કે જ્યારે અમે સ્કૂલની મેચ રમી રહ્યા હતા અને અમે 240 રન ચેઝ કરી રહ્યા હતા ત્યારે અમે 30 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. એે સમયે મેં તેને મેસેજ મોકલ્યો હતો કે રોહિત, ગમે તે થાય, તો તેણે કહ્યું કે ના, ના, સરને કહેજો કે હું મેચ જીતી જઈશ. તેણે પોતાની મહેનતથી મેચ જીતીને આપી. સ્ટ્રોંગ શરૂૂઆતથી... શરૂૂઆતથી જ પોઝિટિવ રહે છે. તેને ખબર હતી કે મારી અંદર શું પોટેન્શિયલ છે, મારે શું કરવું જોઈએ. મારી ક્રિકેટને કેવી રીતે ન્યાય આપવો. તેણે પોતાની ક્રિકેટને સારી રીતે ન્યાય આપ્યો અને એક ટોપ લેવલનો ક્રિકેટર બની ગયો.