ICC રેન્કિંગમાં રોહિત શર્મા ફરી વન ડેમાં વિશ્ર્વમાં નંબર વન બેટ્સમેન
જસપ્રીત બુમરાહ ટેસ્ટ બોલિંગમાં નંબર વન સ્થાને યથાવત
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC ) એ લેટેસ્ટ રેન્કિંગ જાહેર કરી છે. રોહિત શર્મા ફરી એકવાર વિશ્વનો નંબર વન ODI બેટ્સમેન બન્યો છે. ન્યુઝીલેન્ડનો ડેરિલ મિશેલ એક સ્થાન નીચે બીજા સ્થાને આવી ગયો છે. ICC એ છેલ્લે રેન્કિંગ જાહેર કર્યું ત્યારે ડેરિલ મિશેલ ટોચનું સ્થાન ગુમાવી ચૂક્યો હતો, પરંતુ હવે રોહિતે ફરી ટોચનું સ્થાન મેળવ્યું છે. મિશેલને નુકસાન વેસ્ટ ઇન્ડીઝ સામેની ODI શ્રેણીની બીજી અને ત્રીજી મેચમાં ન રમવાને કારણે થયું છે.
રોહિત શર્મા પાસે હાલમાં 781 રેટિંગ પોઈન્ટ છે, જ્યારે બીજા સ્થાને રહેલા ડેરિલ મિશેલ પાસે હવે 766 રેટિંગ પોઈન્ટ છે. રોહિત શર્મા આગામી દક્ષિણ આફ્રિકા સામેની ODI શ્રેણીમાં રમશે. ODI બેટિંગ રેન્કિંગના ટોપ 10માં રોહિત શર્મા ઉપરાંત શુભમન ગિલ (4) અને વિરાટ કોહલી (5) છે. દરમિયાન, શ્રેયસ ઐયર એક સ્થાન નીચે આવીને નવમા સ્થાને પહોંચી ગયો છે.
ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં યશસ્વી જયસ્વાલ એક સ્થાન નીચે આવીને આઠમા સ્થાને પહોંચી ગયો છે. તે ટોપ 10 માં એકમાત્ર ભારતીય છે. જસપ્રીત બુમરાહ ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં નંબર વન પર યથાવત છે, જ્યારે મોહમ્મદ સિરાજ એક સ્થાન ઉપર 11મા સ્થાને પહોંચી ગયો છે. ભારતના રવિન્દ્ર જાડેજા નંબર વન ટેસ્ટ ઓલરાઉન્ડર રહ્યા છે, જ્યારે ઇંગ્લેન્ડના બેન સ્ટોક્સ બીજા ક્રમે છે અને સ્ટાર્ક પાંચમા ક્રમે પહોંચી ગયો છે. રેન્કિંગ ઉપરાંત રોહિત શર્માને વધુ એક સન્માન મળ્યું. તેને ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે ટુર્નામેન્ટ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ જાહેરાત ICC અધ્યક્ષ જય શાહ દ્વારા કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટ 7 ફેબ્રુઆરીથી 8 માર્ચ દરમિયાન ભારત અને શ્રીલંકામાં રમાશે.