રોહિત અને વિરાટને ટેસ્ટમાંથી સન્યાસ લેવા મજબૂર કરાયા; પૂર્વ ક્રિકેટર મનોજ તિવારીનો ધડાકો
ટીમમાં એવું વાતાવરણ સર્જવામાં આવ્યું કે બન્નેએ પીછેહઠ કરવી પડી, ગૌતમ ગંભીરની આકરી ટીકા
ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર મનોજ તિવારીએ એક મોટો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે વિરાટ કોહલી અને રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનું કારણ ટીમનું ખરાબ વાતાવરણ હતું. રોહિત અને વિરાટ બંનેએ આ વર્ષે ઈંગ્લેન્ડના પ્રવાસ પહેલા ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. પૂર્વ ક્રિકેટર તિવારીએ આ નિવેદન આપીને ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર પર પણ નિશાન સાધ્યું છે.
હાલમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને ફક્ત વનડે ફોર્મેટમાં જ સક્રિય છે ત્યારે મનોજ તિવારીએ ઇન્ડિયા ટુડે સાથેની વાતચીતમાં જણાવ્યું કે વિરાટ અને રોહિત ટેસ્ટ ક્રિકેટ રમવા માંગતા હતા. જોકે તેમની આસપાસ એવું વાતાવરણ સર્જવામાં આવ્યું કે તેમને પાછળ હટવું પડ્યું. તિવારીએ ટીમમાં બદલાવ વાત સાથે અસહમતિ વ્યક્ત કરતા કહ્યું કે ભારતને બદલાવની જરૂૂર નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે અમારું સ્થાનિક ક્રિકેટ પ્રતિભાશાળી ખેલાડીઓથી ભરેલું છે, જેઓ તકની રાહ જોઈ રહ્યા છે. તેથી ભારતમાં પ્રતિભાની કોઈ કમી નથી.
મનોજ તિવારીએ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરની આકરી આલોચના કરી. ગંભીરે દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં મળેલી હાર બાદ બેટ્સમેનોની સ્પિન સામેની ટેકનિકને દોષી ઠેરવી હતી. તિવારીએ આ અંગે સવાલ ઉઠાવતા કહ્યું કે કોચ તરીકે ગંભીરનું કામ શીખવવાનું છે, આરોપ લગાવવાનું નહીં. તેમણે કહ્યું કે જો બેટ્સમેનોનો ડિફેન્સ મજબૂત નથી તો મેચ પહેલા તેમની ટ્રેનિંગ કેમ ન થઈ? ટીમ ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે શનિવારથી ગુવાહાટીમાં બીજી ટેસ્ટ શરૂૂ થશે. ભારતીય ટીમ આ મેચ જીતીને સિરીઝ 1-1 થી બરાબર કરવાનો પ્રયાસ કરશે.