રિષભ પંતની શાનદાર વાપસી પર ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો ઓળઘોળ
સકારાત્મક અને શાનદાર ખેલાડી ગણાવ્યો
કાર-ઍક્સિડન્ટ બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં શાનદાર વાપસી કરનાર રિષભ પંતે ક્રિકેટજગતમાં પ્રભાવ પાડ્યો છે. કેટલાક ઑસ્ટ્રેલિયન ક્રિકેટર્સે તેને પોતાની ટીમમાં લેવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ઑસ્ટ્રેલિયાના લિમિટેડ ઓવર્સના કેપ્ટન મિચલ માર્શે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે પરિષભ પંત એક શાનદાર ખેલાડી છે. કાશ તે ઑસ્ટ્રેલિયન હોત. છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેણે ચોક્કસપણે ઘણો સંઘર્ષ કર્યો, પણ તેણે શાનદાર પુનરાગમન કર્યું છે.
ઑસ્ટ્રેલિયાના સ્ટાર ઓપનર ટ્રેવિસ હેડે પણ એક ઇન્ટરવ્યુમાં પંતની ક્ષમતાનાં વખાણ કરતાં કહ્યું હતું કે મને લાગે છે કે ભારતીય ક્રિકેટરોમાં રિષભ પંત સૌથી વધુ ઑસ્ટ્રેલિયન છે. મને લાગે છે કે તે જે રીતે તેના આક્રમક સ્વભાવ અને વર્ક-એથિક સાથે રમે છે એનાથી રમવાની મજા બમણી થાય છે.
વર્લ્ડ ટેસ્ટ-ચેમ્પિયનશિપ (2019-2024)નો હાઇએસ્ટ વિકેટટેકર નેથન લાયન (187 વિકેટ) આગામી બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં ભારતીય વિકેટકીપર-બેટર રિષભ પંતને મોટો પડકાર માને છે. ઑસ્ટ્રેલિયાના આ અનુભવી સ્પિનરે કહ્યું હતું કે રિષભ પંત ખૂબ જ ચપળ ક્રિકેટર છે, તેની પાસે તમામ પ્રકારની બેટિંગ-કુશળતા છે. તેની સામે બોલિંગ કરતાં સમયે ભૂલ ન થવી જોઈએ એટલે અમારે અમારું બેસ્ટ આપવું પડશે. તેની સામે બોલિંગ કરવી એક પડકાર છે. મારી બોલિંગ પર મને સિક્સરનો ડર નથી. હું ઇચ્છું છું કે મારી સામે બેટર વધારે ડિફેન્ડ કરે અને આ દરમ્યાન વિકેટ લેવાની તક મળે.