રેકોર્ડ બ્રેક રન ચેઝ; ઓસ્ટ્રેલિયાને હરાવી ભારતની ફાઇનલમાં વટભેર એન્ટ્રી
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ઓસ્ટ્રેલિયાના 338 રનના લક્ષ્યાંક સામે જેમિમા રોડ્રિગ્સના 127 રન અને હરમનપ્રીત કૌરના 89 રનની મદદથી ભારતે ODI ઇતિહાસનો સૌથી મોટો રન ચેઝ કર્યો. ભારતે 341 રન બનાવીને જીત મેળવી.ભારતનો મહામુકાબલો ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સાથે થશે.
મુંબઈમાં રમાયેલી મહિલા વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે ઐતિહાસિક સાબિત થઈ છે. ભારતે પ્રબળ દાવેદાર ગણાતી ઓસ્ટ્રેલિયાની ટીમને 5 વિકેટે પરાજય આપીને ફાઇનલમાં ધમાકેદરા એન્ટ્રી કરી છે. આ જીત સાથે, ભારતે માત્ર ફાઇનલમાં પ્રવેશ જ નથી કર્યો, પરંતુ ODI ક્રિકેટના ઇતિહાસમાં સૌથી મોટો સફળ રન ચેઝ કરવાનો નવો રેકોર્ડ પણ સ્થાપિત કર્યો છે. ભારતીય ટીમની આ જીત ચાલુ ટુર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયાની પહેલી હાર હતી.આ હાર સાથે ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઇ ગયું,
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ નિર્ધારિત 49.5 ઓવરમાં 338 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. ઓસ્ટ્રેલિયાની શરૂૂઆત ભલે સારી ન રહી હોય, પરંતુ ફોબી લિચફિલ્ડના 119, એલિસ પેરીના 77 અને એશ્ર્લે ગાર્ડનરના 63 રનની મદદથી ટીમ આટલા મોટા સ્કોર સુધી પહોંચી શકી હતી. ભારતીય ફિલ્ડિંગ આ મેચમાં ખૂબ જ નબળી રહી હતી. જવાબમાં, ભારતે 339 રનના પહાડ જેવા લક્ષ્યનો પીછો 9 બોલ બાકી રહેતાં 5 વિકેટે 341 રન બનાવીને પાર પાડ્યો.
ભારતીય ટીમની શરૂૂઆત પણ સારી નહોતી, જેમાં શેફાલી વર્મા 10 અને સ્મૃતિ મંધાના 24 રન બનાવીને પાવરપ્લેમાં જ આઉટ થઈ ગઈ હતી. પરંતુ, અહીંથી કેપ્ટન હરમનપ્રીત કૌર અને જેમિમા રોડ્રિગ્સ એ ઇતિહાસ રચ્યો. બંનેએ ત્રીજી વિકેટ માટે 156 બોલમાં 167 રનની સદીની ભાગીદારી નોંધાવી, જેણે ભારતને મેચમાં પાછું લાવી દીધું. કેપ્ટન હરમનપ્રીત કૌરે 88 બોલમાં 89 રનની શાનદાર ઇનિંગ રમી હતી.જ્યારે કેપ્ટન આઉટ થઈ ત્યારે જેમિમાએ જવાબદારી સંભાળી. તેણે માત્ર 134 બોલમાં 127 રન બનાવીને અણનમ રહી અને ટીમને જીત સુધી પહોંચાડી. તેને દીપ્તિ શર્મા (17 બોલમાં 24 રન) અને અમનજોત કૌર (15 રન) તરફથી પણ ટેકો મળ્યો. ઓસ્ટ્રેલિયા તરફથી ગાર્થ અને સધરલેન્ડે 2-2 વિકેટ લીધી હતી, પરંતુ તે જીત માટે પૂરતું નહોતું. આ જીત સાથે ભારતે મહિલા ક્રિકેટમાં એક નવો માઇલસ્ટોન હાંસલ કર્યો છે.
આ સેમિફાઇનલના પરિણામ બાદ મહિલા વર્લ્ડ કપની ફાઇનલની લાઇન-અપ નક્કી થઈ ગઈ છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ હવે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાનો સામનો કરશે, જેણે પ્રથમ સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવીને પોતાનું સ્થાન બુક કરાવ્યું છે.
દંતકથારૂપ ઇનિંગ ભગવાન ઇસુ ખ્રિસ્તને અર્પણ કરતી જેમિમા
જેમીમા રોડ્રિગ્સનું બેટ રનથી ભરાઈ રહ્યું હતું, અને તેણીએ એક એવી ઇનિંગ રમી જે ક્રિકેટ દંતકથાઓમાં છવાઈ જશે. વિજય પછીની લાગણીઓનો પ્રવાહ પણ કાબુમાં રહી શક્યો નહીં. જેમિમાએ પોતાની સદીની ઉજવણી કરી ન હતી. વિજેતા શોટ માર્યા પછી જ તેના ચહેરા પર ખુશીના સ્મિત અને આંસુ દેખાઈ આવ્યા. મેચ સમાપ્ત થયા પછી, તે એક ક્ષણ માટે સ્થિર ઉભી રહી. ફ્લડલાઇટ્સમાં તેની આંખોમાં ભેજ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તે ફક્ત મેચ જીતનારી સદી જ નહોતી, તે જવાબદારીની ભાવનાને પણ રજૂ કરતી હતી. મેચ પછીના પ્રેઝન્ટેશન સમારોહમાં, જેમીમાહે પોતાની લાગણીઓને કાબૂમાં રાખવા માટે સંઘર્ષ કરતાં કહ્યું, અંતે, મને ફક્ત બાઇબલમાં લખેલું યાદ આવી રહ્યું હતું: સ્થિર રહો, અને ભગવાન મારા માટે લડશે. આંસુભરી આંખો સાથે, તેણીએ કહ્યું, હું આ ટુર્નામેન્ટમાં દરરોજ રડી છું. હું માનસિક રીતે સારું કરી રહી ન હતી. મને ખબર હતી કે મારે સારું રમવું પડશે અને ભગવાન બધું ઠીક કરશે. શરૂૂઆતમાં, હું ફક્ત રમવાનું અને મારી જાત સાથે વાત કરવાનું ચાલુ રાખતી હતી. ભગવાનમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા પરિવારમાંથી આવતી, જેમીમાએ કહ્યું, હું ફક્ત સ્થિર ઉભી રહી, અને તે મારા માટે લડ્યા. મારી અંદર ઘણું બધું ચાલી રહ્યું હતું, પરંતુ મેં સંયમ જાળવવાનો પ્રયાસ કર્યો. હું ઈસુ ખ્રિસ્તનો આભાર માનવા માંગુ છું. હું તે મારી જાતે કરી શકી નહીં.
