રણજી ટ્રોફીમાં રનનો વરસાદ, ચાર-ચાર ભારતીય ખેલાડીઓએ ફટકારી ટ્રિપલ સદી
સ્નેહલ કૌથંકર અને કશ્યપ બકલે ત્રેવડી સદી ફટકાર્યા બાદ અણનમ રહ્યા
રણજી ટ્રોફી હાલમાં ભારતીય સ્થાનિક ક્રિકેટમાં રમાઈ રહી છે. આ ભારતીય સ્થાનિક ક્રિકેટની સૌથી મોટી ટૂર્નામેન્ટ પણ છે. 13 નવેમ્બરથી શરૂૂ થયેલી આ ટુર્નામેન્ટમાં હાલમાં પાંચમાં રાઉન્ડની મેચો રમાઈ રહી છે. આ સાથે જ મેચનો બીજો દિવસ બેટ્સમેનોના નામે રહ્યો હતો. 14મી નવેમ્બરે રણજી ટ્રોફીમાં 1 કે 2 નહીં પરંતુ 4 ટ્રિપલ સેન્ચુરી જોવા મળી હતી. જેમાંથી 2 ત્રેવડી સદી એક જ ટીમના બેટ્સમેનોએ ફટકારી હતી.
અરુણાચલ પ્રદેશ સામેની મેચમાં ગોવા તરફથી સ્નેહલ કૌથંકર અને કશ્યપ બકલેએ ત્રેવડી સદી ફટકારી હતી. ખાસ વાત એ હતી કે બંને ખેલાડીઓ અણનમ રહ્યા હતા. આ મેચમાં સ્નેહલ કૌથંકરે માત્ર 215 બોલમાં અણનમ 314 રન બનાવ્યા હતા. જેમાં 4 છગ્ગા અને 45 ચોગ્ગા સામેલ હતા. તેનો સ્ટ્રાઈક રેટ 146થી વધુ હતો. આ ઈનિંગ દરમિયાન તેણે 205 બોલમાં ત્રેવડી સદી પૂરી કરી હતી. આ સાથે જ કશ્યપ બકલેએ પણ 269 બોલમાં અણનમ 300 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં તેણે 39 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. આ બે ખેલાડીઓના દમ પર ગોવાએ આ મેચ એક ઈનિંગ્સ અને 551 રને જીતી લીધી હતી.
બીજી તરફ ઉત્તરાખંડ અને રાજસ્થાનની ટીમો વચ્ચે રમાઈ રહેલી એલિટ ગ્રુપ ઇની મેચમાં મહિપાલ લોમરોરે ત્રેવડી સદી ફટકારી હતી. રાજસ્થાનના બેટ્સમેન મહિપાલ લોમરોરે 357 બોલમાં પોતાની ત્રેવડી સદી પૂરી કરી હતી અને આ દરમિયાન તેણે 13 છગ્ગા અને 25 ચોગ્ગા ફટકાર્યા હતા. તે 360 બોલ રમીને પણ અણનમ રહ્યો હતો. જેના કારણે રાજસ્થાનની ટીમે તેના પ્રથમ દાવમાં 7 વિકેટ ગુમાવીને 660 રન બનાવ્યા હતા.
નાગાલેન્ડના બેટ્સમેન ચેતન બિષ્ટના બેટમાંથી પણ ત્રેવડી સદી જોવા મળી હતી. તેણે મિઝોરમ સામે આ કારનામું કર્યું હતું. ચેતન બિષ્ટે આ ઈનિંગમાં 423 બોલ રમ્યા અને 304 અણનમ રન બનાવ્યા. ચેતન બિષ્ટની આ ઈનિંગમાં 33 ફોર અને 5 સિક્સ સામેલ છે. આ તેની કારકિર્દીની પ્રથમ ત્રેવડી સદી પણ હતી. ચેતન બિષ્ટની આ જોરદાર ઈનિંગના કારણે નાગાલેન્ડે 7 વિકેટના નુકસાને 736 રન બનાવી પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો.