એશિયામાં બીજા સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યા આર. અશ્ર્વિન
કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. પ્રથમ સેશન બાંગ્લાદેશના પક્ષમાં વધુ રહ્યો. ભારતીય ટીમ બાંગ્લાદેશના માત્ર 2 બેટ્સમેનોને પ્રથમ સેશનમાં આઉટ કરી શકી. બંને વિકેટ આકાશદીપના ખાતામાં ગઈ.
લંચ બ્રેકમાં વરસાદને કારણે થોડો વિલંબ થયો પરંતુ થોડી રાહ જોયા પછી મેચ ફરીથી શરૂૂ થઈ ગઈ. બીજા સેશનની શરૂૂઆત સાથે જ ભારતીય કેપ્ટને આર અશ્વિનને બોલ સોંપ્યો અને તેનું પરિણામ તરત જ જોવા મળ્યું. લંચ પછી પોતાનો બીજો ઓવર ફેંકતા અશ્વિને બાંગ્લાદેશના કેપ્ટન નજમુલ હસન શાંતોને 31 રનના વ્યક્તિગત સ્કોર પર પેવેલિયનનો રસ્તો બતાવ્યો. આ રીતે સ્પિનર આર અશ્વિને નવો ઇતિહાસ રચ્યો. નજમુલને આઉટ કરતાં જ આર અશ્વિન એશિયામાં બીજા સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયા. તેમણે દેશના અનિલ કુંબલેને પાછળ છોડ્યા જેમણે એશિયામાં 419 વિકેટ ટેસ્ટમાં ઝડપી હતી.
આર અશ્વિને નજમુલને LBWઆઉટ કર્યો અને આની સાથે જ તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ LBWવિકેટ લેનાર 5મા બોલર બની ગયા. તેમણે ઓસ્ટ્રેલિયાના મહાન બોલર ગ્લેન મેકગ્રાને પાછળ છોડ્યો. ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ LBWવિકેટ લેવાનો રેકોર્ડ અનિલ કુંબલેના નામે છે.