હેડ કોચ ગંભીર પર દ્રવિડનો દેખાવ જાળવવાનું દબાણ
ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકે અંતે ગૌતમ ગંભીરની નિમણૂક થઈ ગઈ. ટી 20 વર્લ્ડકપ પછી રાહુલ દ્રવિડ વિદાય લેશે એ નક્કી હતું કેમ કે ટી 20 વર્લ્ડ કપ સાથે જ હેડ કોચ તરીકેનો દ્રવિડનો કાર્યકાળ પૂરો થઈ ગયો હતો અને દ્રવિડની હેડ કોચ તરીકે રહેવાની ઈચ્છા નહોતી. ટી 20 વર્લ્ડકપ શરૂૂ થયો એ પહેલાં જ રાહુલ દ્રવિડે પોતાની કોચપદે નહીં રહેવાની ઈચ્છા વ્યક્ત કરી દીધી હતી. તેમાં પણ ભારતીય ક્રિકેટ ટીમ ટી 20 વર્લ્ડકપ જીતી પછી તો રાહુલ દ્રવિડ કોચ તરીકે રહે એ વાતમાં માલ જ નહોતો. ભારતીય કોચના માર્ગદર્શનમાં ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડકપ જીતી હોય એવું પહેલી વાર બન્યું છે તેથી એક ઈતિહાસ રચીને દ્રવિડ પોતાની કારકિર્દીના સર્વોચ્ચ શિખરે છે. કોઈ પણ કોચ વર્લ્ડકપ જીતીને સર્વોચ્ચ શિખરે પહોંચ્યા પછી પોતાની પરીક્ષા કરાવવાનું પસંદ ના કરે તેથી રાહુલ કોચ તરીકે ચાલુ નહીં જ રહે અને ટીમ ઈન્ડિયાએ નવા કોચ નિમવા પડશે એ પણ નક્કી હતું.
ગૌતમ ગંભીર દ્રવિડનું સ્થાન લેશે એ પણ નક્કી હતું તેથી ગંભીરની પસંદગી જરાય આશ્ર્ચર્યજનક નથી. ગંભીરે દોઢ મહિના પહેલાં કોલકાતા નાઈટ રાઈડર્સને આઈપીએલ-2024માં ચેમ્પિયન બનાવ્યું ત્યારે જ કોચ તરીકે ગંભીરની પસંદગીનો તખ્તો ઘડાઈ ગયો હતો. ગંભીર આ વર્ષે કોલકાતા ફ્રેન્ચાઈઝીના મેન્ટર બન્યા અને આ વરસે જ કોલકાત્તા ચેમ્પિયન બન્યું. એ પહેલાં ગંભીર લખનઊ સુપર જાયન્ટ્સના મેન્ટર હતા અને તેમની મેન્ટરશિપ હેઠળ ગંભીર લખનઊ સુપર જાયન્ટ્સ સતત બે સિઝનમાં પ્લેઓફમાં ગઈ હતી. આ કારણે ગંભીરની પસંદગી નક્કી મનાતી હતી.ગંભીર પર રાહુલ દ્રવિડની વિરાસતને જાળવવાનું ભારે દબાણ પણ છે. દ્રવિડ 2021માં ટીમ ઈન્ડિયાના હેડ કોચ બન્યા પછી શરૂૂઆતમાં બહુ સફળતા નહોતી મળી.
ટીમ ઈન્ડિયા જે રીતે રમતી હતી એ જોતાં લાગતું હતું કે, દ્રવિડનો બે વર્ષનો કાર્યકાળ વર્લ્ડ કપ જીત વિના જ પૂરો થઈ જશે પણ દ્રવિડે છેલ્લે છેલ્લે ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપ જીતાડીને પોતાની આબરૂૂ અને ક્રિકેટ ચાહકોનો વિશ્ર્વાસ બંને સાચવી લીધાં. દ્રવિડે વર્લ્ડકપ વિજેતા ટીમના કોચ તરીકે વિદાય લીધી છે તેથી ગંભીરે પણ ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવવી જ પડે ને તેનું દબાણ ગંભીર પર હશે. ભારતીય ટીમ વર્લ્ડકપ જીતી તેથી ક્રિકેટ ચાહકોને વર્લ્ડકપથી ઓછું કશું ખપશે જ નહીં તેથી એ દબાણ પણ ગંભીર પર હશે.આશા રાખીએ કે, ગંભીર દબાણ હેઠળ ખિલવાની જૂની આદત ના ભૂલે અને ભારતને આ બંને સ્પર્ધામાં પણ ચેમ્પિયન બનાવે.