For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

IPL-2024માં મોટાભાગના દેશોના ખેલાડીઓ આખી સિઝન ઉપલબ્ધ રહેશે

01:28 PM Dec 19, 2023 IST | Sejal barot
ipl 2024માં મોટાભાગના દેશોના ખેલાડીઓ આખી સિઝન ઉપલબ્ધ રહેશે

બીસીસીઆઇએ આઇપીએલની આગામી સીઝનની ઓફિશિયલ વિન્ડોની પુષ્ટિ કરી દીધી છે, જે મુજબ આઇપીએલ 2024, 22 માર્ચથી શરુ થશે અને મેના અંતિમ સપ્તાહમાં ખતમ થશે. દેશમાં થનારી સામાન્ય ચૂંટણીને કારણે સંપૂર્ણ શિડ્યૂલ આવવામાં સમય લાગશે. આઇપીએલ 2024 માટે ખેલાડીઓના ઓક્શન મંગળવારે 19 ડિસેમ્બરે દુબઈમાં થશે. ઓક્શન પહેલા આ લીગમાં ભાગ લેનાર વિદેશી ખેલાડીઓની ઉપલબ્ધતાને લઈને ફ્રેન્ચાઈઝીને જાણ કરી દેવાઈ છે, જે મુજબ કેટલાંક દેશોના ખેલાડીઓને છોડીને મોટા ભાગના પ્લેયર્સ સમગ્ર સીઝન માટે ઉપલબ્ધ રહેશે.
ક્રિકબઝના રિપોર્ટ મુજબ, આઇપીએલ ઓક્શન પહેલા તમામ ફ્રેન્ચાઈઝીને જણાવ્યું કે ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, અફઘાનિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ બોર્ડે પોતાના ખેલાડીઓને મામૂલી કે કોઈ શર્ત વગર આખી સીઝનનો ભાગ બનવા માટેની મંજૂરી આપી દીધી છે. જો કે ઈંગ્લેન્ડ, આયરલેન્ડ, શ્રીલંકા અને બાંગ્લાદેશ બોર્ડે સશર્ત મંજૂરી આપી છે.
ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જોશ હેઝલવુડને છોડીને ટીમના મોટા ભાગના ખેલાડીઓ ઉપલબ્ધ રહેશે. જોશ હેઝલવુડ મેના પહેલા સપ્તાહથી ફ્રેન્ચાઈઝી સાથે જોડાશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ બીસીસીઆઇને જણાવ્યું કે જોશ હેઝલવુડ ઉપરાંત તેના તમામ ખેલાડી આઇપીએલમાં ઉપસ્થિત રહેશે. જો કે જો કોઈ ઘરેલૂ ટૂર્નામેન્ટ શેફીલ્ડ શીલ્ડનો ભાગ બનવા માગે છે તો તે અંગેનો નિર્ણય ખેલાડી પોતે કરી શકે છે. ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે કહ્યું કે- તેના ખેલાડી ભાગ લઈ શકે છે પરંતુ શર્ત એટલી જ છે કે તેઓ અનફિટ અને ઈન્ટરનેશનલ ડ્યૂટી પર ન હોય. ઈંગ્લેન્ડના ખેલાડીઓની ઉપબલ્ધતા ટી 20 વિશ્વકપની આસપાસ ઇસીબીના સમર ઈન્ટરનેશનલ કાર્યક્રમને અધીન છે, જેની જાહેરાત નથી થઈ. ટી 20 વિશ્વકપ કેરેબિયન અને અમેરિકામાં 4થી 30 જૂન સુધી રમાશે.
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ અને ક્રિકેટ આયરલેન્ડે પોતાના ખેલાડીઓને થોડોક સમય માટે ઉપલબ્ધ રાખ્યા છે. જો કે મુસ્તફિઝુર રહમાન અને જોશુઆ લિટલને ખાસ મંજૂરી મળી છે. આયરલેન્ડે ફાસ્ટ બોલરને પૂરી સીઝન માટે મંજૂરી આપી છે, જ્યારે બીસીબીએ રહમાનને 22 માર્ચથી 11 મે સુધી લીગમાં ભાગ લેવાની મંજૂરી આપી છે.
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (એસીબી), ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ (સીડબલ્યુઆઇ), ક્રિકેટ દક્ષિણ આફ્રિકા (સીએસએ), ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (એનઝેડસી) અને ઝિમ્બાબ્વે ક્રિકેટે બીસીસીઆઇને સૂચિત કર્યા છે કે તેમના ખેલાડી આઇપીએલની સંપૂર્ણ અવધિ માટે ઉપલબ્ધ રહેશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement